એક્ઝિટ પોલ: હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
ગુજરાતમાં ભાજપને 110થી વધુ બેઠક મળવાનું અનુમાન
- Advertisement -
ગુજરાતમાં કોંગ્રેસને 30થી 60 બેઠક મળવાની શક્યતા, આપ ડબલ ફિગર પર પણ પહોંચી નહીં શકે: એક્ઝિટ પોલનું તારણ
હિમાચલમાં ભાજપને 35 જ્યારે કોંગ્રેસને 30 જેટલી અને આપને શુન્ય બેઠક, અન્યોને ત્રણથી ચાર બેઠકનો અંદાજો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેને પગલે વિવિધ સરવે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્ઝિટ પોલ ગુજરાત, હિમાચલ પ્રદેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં દાવો છે કે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે.
- Advertisement -
ગુજરાતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને 110થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 40થી 50 બેઠકો મળવાનું અનુમાન છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને એકથી 10 જેટલી બેઠકો મળશે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. અન્ય અપક્ષ ઉમેદવારો પણ ચારથી પાંચ બેઠકો જીતી શકે છે.
જોકે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપને માત્ર થોડી જ બેઠકો વધુ મળશે તેવો અંદાજ આ એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યો છે. જેમ કે એક્ઝિટ પોલના દાવા મુજબ હિમાચલમાં ભાજપને 30થી 35 જ્યારે કોંગ્રેસને 30 જેટલી અને આમ આદમી પાર્ટીને શુન્ય બેઠક મળી શકે છે. અન્યોના ફાળે ચારથી પાંચ બેઠક જઇ શકે છે.
આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાના દાવા મુજબ ભાજપને 129થી 151 બેઠક મળી શકે છે. જ્યારે ઝીન્યૂઝ-બાર્કના સરવે મુજબ ભાજપને 110થી 125 બેઠક મળી શકે છે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં 110થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં 16થી 30 જ બેઠક મળવાનો દાવો આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાએ કર્યો છે અને આપને 9થી 12 બેઠક આપી છે. ઝીન્યૂઝ-બાર્કના દાવા મુજબ કોંગ્રેસને 45થી 60 અને આપને 1થી 5 બેઠક મળવાનો દાવો કરાયો છે.