ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે સામે પક્ષે પ્રજા પણ પોતાનો દોષ ઠાલવી રહી છે ત્યારે રાજકોટમાં આજે ચાર સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર મતદાનનો બહિષ્કાર કરવાના બેનર લગાડ્યા હતા અને એવું કહ્યું હતું કે જ્યાં સુધી ઘરને સૂચિતમાંથી રેગ્યુલર કરવામાં નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં થાય. આજરોજ યુનિવર્સિટી રોડ નજીક આવેલી પેરામાઉન્ટ પાર્ક, ઋષિકેશ સોસાયટી, માધવ પાર્ક, ન્યુ યોગી નગર સહિતની 4 જેટલી સોસાયટીના સ્થાનિકો એકઠા થયા હતા. અને સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે સોસાયટીમાં મતદાનનો બહિષ્કાર કરવાના તેમજ કોઈ રાજકીય પક્ષોએ પ્રચાર કરવા ન આવવું સહિતના વિવિધ બેનર લગાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આ બેનરોમાં સ્પષ્ટ લખાયું છે કે, જો અમારી સોસાયટીઓ ચૂંટણી પહેલા રેગ્યુલર કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું.
રાજકોટમાં 4 સોસાયટીના નાગરિકોએ મતદાનનાં બહિષ્કારના બેનરો લગાવ્યા
