ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે માનવ પુસ્તકાલયની વિશેષ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ પુસ્તક ચંદ્રકાંત પાટીલને કેમ્પસમાં તેમના જ્ઞાન અને અનુભવો શેર કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાટીલે ભારતીય સશસ્ત્ર દળોમાં 17 વર્ષ સુધી સેવા આપી હતી અને વિશ્ર્વભરમાં શાંતિ અને સંવાદિતાને સુરક્ષિત કરવા માટે અનેક કામગીરીમાં ભાગ લીધો હતો. તેમણે ઓપરેશન વિજય કારગીલમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પ્રથમ કાર્યક્રમ કારગીલ વિજય દિવસ બાઈક રેલી કાઢવામાં આવી હતી, જે ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસથી શરૂ થઈ અને એનસીસી હેડકવાર્ટર, રાજકોટ ખાતે સમાપ્ત થઈ હતી.
- Advertisement -
ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડાયરેકટર ડો. ફાધર જોમન થોમના દ્વારા રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. કમલસિંહ ડોડીયા, એનસીસી ગ્રુપના કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથન, કર્નલ સલિલ બિષ્ટ, લેફટનન્ટ કર્નલ મુર્તુઝા અલી અસદ અને લેફટનન્ટ ડો. દિવ્યરાજસિંહ જાડેજા સહિત અન્ય ઘણા મહાનુભાવોએ રેલીનું વિવિધ સ્થળોએ સ્વાગત કર્યું હતું. રેલી દરમિયાન એકત્ર કરાયેલું ભંડોળ શહીદ સૈનિકોના પરિવારો માટે કલ્યાણ ભંડોળમાં દાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેમ્પસ ડિરેકટર ફાધર ડો. જોમન થોમનના, ફાધર સ્ટેન્લ, ડો. યવોન ફર્નાન્ડિસ, નિમ્ફિયા ગોગિયા, મહેમાનો, શિક્ષકગણ સહિત 300થી વધુ વાચકોએ હાજરી આપી હતી. ચંદ્રકાંત પાટીલને કેમ્પસ ડાયરેકટર ફાધર દ્વારા લ્યુમિનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.