રાધનપુરના આરોગ્ય કર્મી છેલ્લા 8 વર્ષથી પોતાનાં પગારમાંથી જરૂરિયાતમંદ ટી.બી દર્દીઓને પોષણ કીટ પહોંચાડી મદદરૂપ બનતા રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આરોગ્ય કાર્યકર તરીકે સેવા આપી રહેલા ચિરાગ ચાવડા એક સરકારી કર્મચારી હોવા છતાં પોતાની માનવતાની ભાવના સાથે ‘ટી.બી મુક્ત ભારત’ અને ‘ટી.બી મુક્ત ગુજરાત’ના સપનાને સાકાર બનાવવા સતત કાર્યરત છે. ગરીબ અને જરૂરિયાતમંદ ટી.બી દર્દીઓ માટે તેમણે છેલ્લા 8 વર્ષથી “નિક્ષય મિત્ર” તરીકે પોતાની પગારની નાની બચતમાંથી પોષણ કીટ વિતરણ શરૂ કર્યું છે. આ કીટમાં દર્દી માટે જરૂરી આહાર, પોષણયુક્ત સામગ્રી અને સારવાર દરમિયાન જરૂરી સપોર્ટ સામેલ હોય છે.
- Advertisement -
આજ રોજ પણ રાધનપુર તાલુકાના રામેશ્વર ગામના એક ટી.બી પીડિત દર્દીને ચિરાગભાઈએ દત્તક લીધો છે. આગામી છ માસ સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી ચિરાગભાઈ તેમને નિયમિત દવા લેવા, આરોગ્ય તપાસ કરાવવા અને પોષણ કીટ આપીને તંદુરસ્તી તરફ આગળ વધવા માર્ગદર્શન આપશે. આ ઉમદા કાર્યએ આજે દરેક આરોગ્ય કર્મી અને સામાજિક કાર્યકર માટે પ્રેરણારૂપ બન્યું છે. ચિરાગ ચાવડાનું માનવું છે કે, ‘દરેક વ્યક્તિ એક દર્દી દત્તક લે તો ટી.બી. પર સંપૂર્ણ રીતે વિજય પ્રાપ્ત કરી શકાય.’



