દુનિયા પર પ્રભુત્વ જમાવવાની ઘેલછામાં ડ્રેગન ભાન ભૂલ્યું: રાજદ્વારી સંબંધોની પણ એસીતૈસી
ચીનના હેકર્સ જૂથ આઈસૂન અને પોલીસે ડેટા ચોરીની વિગતો કેવી રીતે લીક થઈ: તપાસ શરૂ
- Advertisement -
લીક થયેલા આંતરિક દસ્તાવેજો મેન્ડેરિન ભાષામાં હોવાથી ચીનની હેકિંગની પોલ ખુલી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના એક હેકર જૂથે ભારત સરકારના મહત્વપૂર્ણ વિભાગના દસ્તાવેજો હેક કર્યા હોવાનો દાવો કર્યો છે. પીએમઓથી લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એર ઈન્ડિયા જેવી ખાનગી કંપનીઓ પણ હેકર જૂથના નિશાન પર હતી. ચીન સરકાર સાથે સંકળાલે હેકિંગ ગ્રુપ આઈસૂને તાજેતરમાં જ હજારો દસ્તાવેજ, તસવીરો અને ચેટ મેસેજ ગિટહબ પર પોસ્ટ કર્યા છે. આ હેકિંગ ગ્રુપના બે કર્મચારીઓએ જણાવ્યું કે, આઈસૂન અને ચીન પોલીસે આ ફાઈલો લીક કેવી રીતે થઈ તેની તપાસ શરૂ કરી છે. આઈસૂન ગ્રુપના એક કર્મચારીએ કહ્યું કે, આ લીક કેસ અંગે 21 ફેબુ્રઆરીએ આઈસૂનની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં જણાવાયું કે, આ ઘટનાક્રમથી બિઝનેસ પર કોઈ પ્રકારની અસર નહીં પડે અને કામકાજ સામાન્ય રીતે ચાલતુ રહેશે. લીક થયેલા આંતરિક દસ્તાવેજો મૂળરૂપે મેન્ડેરિન ભાષામાં છે. તેનાથી હેકર્સની મોડસ ઓપરેન્ડી અને ટાર્ગેટનો ખ્યાલ આવે છે.
હેકર્સના નિશાન પર નાટોથી લઈને યુરોપીયન સરકારો અને પાકિસ્તાન જેવા ચીનના સહયોગીની ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, આ લીક દસ્તાવેજમાં સાયબર જાસૂસી ઓપરેશનના ટાર્ગેટનો પણ ઉલ્લેખ છે. જોકે, આ હેકિંગમાં વ્યક્તિગતરીતે કયા લોકોને નિશાન બનાવાયા છે તે જાણી શકાયું નથી. લીક થયેલા ડેટામાં નાણાંમંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલય જેવા ભારતીય ટાર્ગેટ્સનો ઉલ્લેખ છે. તેનાથી તેનો ઈશારો સંભવત: ગૃહમંત્રાલય તરફ છે. ભારત-ચીન સરહદે તણાવ ચરમ પર છે ત્યારે એડવાન્સ્ડ પરસિસ્ટન્ટ થ્રેટ (એપીટી) અથવા હેકરોના જૂથે મે 2021 અને ઑક્ટોબર 2021 વચ્ચે રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલયના વિવિધ કાર્યાલયો સંબંધિત 5.94 જીબી ડેટા ફરીથી હાંસલ કર્યો હતો. ભારતમાં મુખ્ય નિશાન વિદેશ મંત્રાલય, નાણામંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો છે. અમે આ ક્ષેત્રને ઊંડાણપૂર્વક ટ્રેક કરવાનું ચાલુ રાખ્યું છે. રાજ્ય દ્વારા સંચાલિત પેન્શન ફંડ મેનેજર, ઈપીએફઓ, બીએસએનએલ અને ખાનગી સ્વાસ્થ્ય સેવા જૂથ અપોલો હોસ્પિટલ્સના યુઝર્સ ડેટામાં પણ કથિત રીતે તફડંચી કરવામાં આવી હતી. એર ઈન્ડિયાનો ચોરાયેલો ડેટા પ્રવાસીઓ દ્વારા દૈનિક ચેક-ઈનની વિગતો સાથે સંબંધિત છે. લીક થયેલા દસ્તાવેજોમાં 2020થી ભારતના લગભગ 95જીબી ડેટાનો સમાવેશ થાય છે, જેમાં ઈમિગ્રેશન વિગતો, જેમ કે ’એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ડેટા’ તરીકે સમાવેશ કરાયો છે. વિશેષરૂપે 2020માં ગલવાન ખીણના ઘર્ષણ પછી ભારત-ચીન સંબંધોમાં તણાવ આવ્યો હતો ત્યારથી આ ડેટાની ચોરી થઈ હોવાનું મનાય છે. તાઈવાનના સંશોધક અજાકા સૌથી પહેલાં જીટહબ લીક કેસ સામે લઈને આવ્યા હતા.
- Advertisement -
તેમણે ભારતને જણાવ્યું કે, ભારત હંમેશાથી ચીન એપીટી ગ્રુપનું ટાર્ગેટ રહ્યું છે. ચોરાયેલા ડેટામાં સ્વાભાવિકરૂપે ભારતના કેટલાક સંગઠનોનો સમાવેશ થાય છે, જેમાં અપોલો હોસ્પિટલ, 2020માં દેશની અંદર અને બહાર આવતા-જતા લોકો, વડાપ્રધાન કાર્યાલય અને જનસંખ્યા રેકોર્ડનો સમાવેશ થાય છે. ગૂગલ ક્લાઉડની માલિકીની મૈન્ડિએન્ટ ઈન્ટેલિજન્સના મુખ્ય વિશ્લેષક જોન હલ્ટક્વિસ્ટને વોશિંગ્ટન પોસ્ટે કહેતા ટાંક્યા છે કે ઓનલાઈન ડમ્પ ’ચીનથી બહાર વૈશ્વિક અને ઘરેલુ સાયબર જાસૂસી અભિયાનોનું સમર્થન કરનારા એક કોન્ટ્રાક્ટરનો પ્રમાણિક ડેટા હતો.’ તેમણે કહ્યું કે, અમને કોઈપણ ગુપ્ત ઓપરેશનની આંતરિક કાર્ય વ્યવસ્થા સુધી આટલી નિર્વિરોધ પહોંચ કદાચ જ ક્યારેય મળી છે. એટલે કે મિત્રથી લઈને દુશ્મન સુધી બધા જ ચીનના નિશાન પર છે. ભારત સિવાય બેઈજિંગે કથિત રીતે તેના મિત્ર પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું છે. અન્ય સ્પષ્ટ ટાર્ગેટ્સમાં નેપાળ, મ્યાંમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઈલેન્ડ, કજાકસ્તાન, તુર્કીયે, કંબોડિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. લીક થયેલા ડેટાસેટ મુજબ મે 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે ચીની હેકર જૂથે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આતંકવાદ વિરોધી કેન્દ્રમાંથી 1.43 જીબી ડાક સર્વિસ ડેટા મેળવ્યો હતો.
ચીનના હેકરોએ કથિત રીતે નેપાળ ટેલિકોમ, મંગોલિયાની સંસદ અને પોલીસ વિભાગ, ફ્રાન્સની એક યુનિવર્સિટી અને કઝાકસ્તાનની પેન્શન મેનેજમેન્ટ ઓથોરિટીનો પણ જંગી ડેટા ચોર્યો હતો. હેકરોએ કથિત રીતે નિર્વાસિત તિબેટીયન સરકાર અને તેના ડોમેન, તિબેટ.નેટની સત્તાવાર સિસ્ટમ સુધી પણ પહોંચ બનાવી હતી. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા હેકિંગ જૂથ મસ્ટેંગ પાંડા અથવા એપીટી41 દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવી રહ્યા છે. ચીન અગાઉ પણ ભારતમાં સાઈબર હુમલા કરવા માટે સમાચારોમાં ચમક્યું હતું. વર્ષ 2022માં ચીન સાથે સંકળાયેલા હેકર્સે કથિત રીતે સાત ભારતીય પાવર હબને નિશાન બનાવ્યા હતા. ધમકી આપનારા થ્રેટ એક્ટર્સે 2021માં પણ ભારતના વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.