બાળકમાં જોવા મળ્યો H3N8 બર્ડ ફ્લૂનો ખતરનાક વાયરસ
બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા ચીને વિશ્વભરના નિષ્ણાંતોને ચિંતામાં મુક્યા
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
હજુ વિશ્વ કોરોના વાયરસની ચિંતામાંથી બહાર નથી નીકળ્યું ત્યાં વધુ એક ખતરનાક વાયરસ સક્રિય થઈ ગયો છે. ત્યારે ચીને ફરી એકવાર વિશ્વને સ્વાસ્થ્ય સંબંધે ચિંતામાં મુક્યું છે. ચીનમાં મોટાપ્રમાણમાં કોરોનાના કેસનો ઉછાળો નોંધાયો છે. ચીન સરકાર દ્વારા શાંઘાઈ જેવા શહેરોમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. હજુ કોરોના નિયંત્રણમાં નથી આવ્યું ત્યાં નવો જીવલેણ વાયરસ ચીનમાં સક્રિય થઈ ગયો છે. ચીનમાં પહેલીવાર માનવીઓમાં ખતરનાક H3N8 બર્ડ ફ્લૂનો વાયરસ જોવા મળ્યો છે. જે કોરોનાની જેમ તબાહી ફેલાવી શકે છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, દેશમાં 4 વર્ષના બાળકમાં H3N8 બર્ડ ફ્લૂ વાયરસ જોવા મળ્યો છે. તે મધ્ય હેનાન પ્રાંતમાં રહે છે. બાળકના ઘરમાં કાગડા અને મરઘીઓનો ઉછેર હોવાથી તેને બર્ડ ફલૂના આ નવા પ્રકારનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે 5 એપ્રિલે બાળકને તાવ સહિત અન્ય લક્ષણો હતા. ત્યારબાદ બાળકને બર્ડ ફલૂ ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ચીનમાં પહેલાં પણ બર્ડ ફ્લૂના અનેક પ્રકારો નોંધાયા છે. ગયા વર્ષે ચીનમાં ફ્લૂના H10N3 પ્રકારથી મનુષ્યને ચેપ લાગ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. આ સાથે જ ચીનમાં H5N6 પણ સામે આવ્યો છે. ચીનમાં ફરી એકવાર બર્ડ ફલૂનો કેસ નોંધાતા વિશ્વભરના નિષ્ણાંતો ચિંતામાં મુકાયા છે.