પ્રવેશોત્સવમાં ગૃહમંત્રીએ બાળકોને પ્રવેશ કરાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.26
- Advertisement -
શાળા પ્રવેશોત્સવની છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ભૂલકાંઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકો પણ હોંશ હોંશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.
મહાનગરોથી લઈ ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. પા..પા.. પગલી ચાલી શાળાએ આવ્યા બાદ નાના બાળકોએ પોતાના ભણતરની શરૂઆત કરી છે. બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું હતું. પહેલુ પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણી અને પાંચમું પગથિયું રૂમાલ પર મૂકાવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ આ પ્રકારનું સ્વાગત જોઈને ખુશ થઈ ગયા હતા. હરસંગભાઈ તરફથી વિદ્યાર્થીઓને કેટલીક શૈક્ષણિક ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલબેગ,વોટરબેગ, કલર, કંપાસ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. ગત વર્ષની સરખામણી આ વખતે વધુમાં વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાઓમાં 20,000 કરતાં પણ વધારે બાળકોને પ્રવેશ આપવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નીપૂણ ભારત અંતર્ગત, નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓ અને ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સરકારી શાળાઓમાં અભ્યાસ માટેની સામગ્રી પહોંચાડવામાં આવી છે.
માતા-પિતાને સમજાવવા માટે બાળકો પાસે અપીલ કરું છું. બાળકો માતા-પિતાનો જીવ હોય છે. બાળકો થકી માતા-પિતાને સુરક્ષિત રાખવા માટે આ પ્રયાસ કર્યો છે. ઘરેથી કામે નીકળતા માતા-પિતા હેલ્મેટ પહેરે અને રોંગ સાઈડમાં વાહન ન હંકારે તે માટે બાળકો થકી વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બાળકો સ્વસ્થ અને સ્વચ્છ રહે તે માટેના શપથ પણ વાલીઓ પાસે લેવડાવવામાં આવ્યા છે.



