ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
યુએસ ઈમિગ્રેશન કાયદા હેઠળ, 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પિટિશનની પ્રાયોરિટી ડેટ મુજબ ગ્રીન કાર્ડ મળી શકે છે
- Advertisement -
ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ કે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અને અન્ય કેટેગરી હેઠળ જે ઈમિગ્રન્ટ વિઝાની અરજીઓ કરવામાં આવે છે, પિટિશનો દાખલ કરવામાં આવે છે, એમાં જે મુખ્ય બેનિફિશિયરો હોય છે એની જોડે જોડે એમનાં એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ઓન ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. આવાં પિટિશનો પ્રોસેસ થઈને એપૃવ તો એક-બે વર્ષની અંદર થઈ જાય છે, પણ ત્યારબાદ એ કરન્ટ થતાં, એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળતાં, ક્વોટાનાં બંધનોને કારણે ખૂબ વાર લાગે છે. એ કારણે ડિપેન્ડન્ટ સંતાનો એકવીસ વર્ષની ઉંમર વટાવી જાય છે, એજઆઉટ થઈ જાય છે. એમના લાભ માટે અમેરિકાની સરકારે વર્ષ 2022માં ‘ધ ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ’ ઘડ્યો છે. આની હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એટલે કે પિટિશનની જે પ્રાયોરિટી ડેટ હોય અને જે દિવસે એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થયું હોય એટલો સમય ડિપેન્ડન્ટ બાળક માટે ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ હેઠળ એક પિટિશન દાખલ કરવાનું રહે છે, એની હેઠળ એ પિટિશનની પ્રાયોરિટી ડેટ અને એ એપ્રૂવ થયું એની તારીખ અને એ દરમિયાનનો જે સમય હોય એ દર્શાવવાનો રહે છે. ડિપેન્ડન્ટ ચાઈલ્ડની જન્મતારીખ જણાવવાની રહે છે અને એની ઉંમરમાંથી પિટિશન એપ્રૂવ થતાં જેટલો સમય લાગ્યો હોય એ બાદ કરીને એની જે ઉંમર થતી હોય એ દેખાડવાની રહે છે. જણાવવાનું રહે છે એ બાળકની જન્મતારીખ અમુક છે, પણ ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ હેઠળ જે સમય બાદ કરવાની છૂટ મળે છે એ બાદ કરતાં એની કાયદાકીય તારીખ અમુક છે અને કાયદાકીય તારીખ મુજબ એની ઉંમર એકવીસ વર્ષથી નીચેની છે. એ પિટિશનમાં એવું પણ દેખાડી આપવાનું રહે છે કે ડિપેન્ડન્ટ ચાઈલ્ડને ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટનો ફાયદો આપવામાં નહીં આવે, એને ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે તો બેનિફિશિયરોને, એના અન્ય કુટુંબીજનોને અને પિટિશનરોને ખૂબ જ મુશ્કેલી પડશે. તેઓ હાડમારીનો ભોગ બનશે. કુટુંબ વિખૂટું પડી જશે. એ ડિપેન્ડન્ટ બાળક અમેરિકાને કઈ રીતે લાભદાયક થઈ શકે એ પણ જણાવવાનું રહે છે. પછી અરજી કરવાની રહે છે, કે માનવતાના સિદ્ધાંતો ખાતર એ ડિપેન્ડન્ટ ચાઈલ્ડને ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટનો લાભ આપીને ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા આપવા જોઈએ. અનેકોને આ કાયદાની જાણ જ નથી હોતી. તમારું બાળક જો એકવીસ વર્ષની વય વટાવી જાય તો આ કાયદાનો લાભ લેવાનું ચુકતા નહીં.



