રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આયોજિત જી-20માં પધારેલા વિકસિત દેશોના વડાઓને આપણે સહકાર દ્વારા દેશના વિકાસની ભાવનાથી પ્રભાવિત કર્યા છે. એક સમયે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે વડાપ્રધાન મોદી અને દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. 14,780 કરોડનું પાક ધીરાણ અને રૂ. 680 કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે.
ગુજરાતના સમૃદ્ધ સહકારી માળખાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 203 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડની ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં 83,000થી વધુ સહકારી મંડળીઓમાં 2 કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેઓનું મોટું યોગદાન છે.
સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે.
રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તથા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત તથા પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓની સરાહના કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને ઊભરી છે.

જેતપુરના ધારાસભ્ય તથા કાર્યક્રમના અધ્યક્ષ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં વાર્ષિક અહેવાલો રજૂ કરી બેંકની વિવિધ ખેડૂતલક્ષી કામગીરી વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ખેડૂતોને ટુંકી મુદ્દત માટે ધીરાણ લેવા પણ ઊંચા વ્યાજ-દર ચૂકવીને અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો, ત્યારે સુદ્રઢ સહકારી માળખા થકી આજે ખેડૂતો ઝીરો ટકા વ્યાજ-દરે ધીરાણ મેળવતા થયા છે. સહકારી ક્ષેત્રનું માળખું તાકાતવાન બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્કે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આકસ્મિક સમયે બેન્ક અને મંડળીઓના દરવાજા હરહંમેશ ખુલ્લા છે. આ તકે તેમણે બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓના ખેડૂત સભાસદોને આકસ્મિક નાણાકીય જરૂરીયાતનાં સંજોગોમાં તત્કાલ નાણાં મળી રહે તેવા હેતુથી મધ્યમ મુદત ખેતી વિષયક “કૃષિ તત્કાલ લોન યોજના”ની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય બે યોજનાની પણ જાહેરાત કરી હતી.
જ્યારે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી માળખાના માધ્યમથી રાજ્ય અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભો સામાન્ય લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં બેન્કની અક્સ્માત વીમા યોજના અન્વયે આકસ્મિક અવસાન પામેલા જુદી- જુદી મંડળીઓનાં 15 જેટલા સભાસદોનાં વારસદારોને રૂ. 10 લાખનાં કુલ રૂ. 1.50 કરોડના ચેક અર્પણ કરાયા હતા. જયારે સહકારી ક્ષેત્રે 15 વર્ષથી વધુ સમય સુધી ઉત્તમ સેવા આપનારી જુદી- જુદી મંડળીઓને સન્માનિત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરેમન ગોરધનભાઈ ધામેલિયા, અગ્રણી ડો. ભરત બોઘરા, અલ્પેશભાઈ ઢોલરીયા, ધવલભાઈ દવે, જયેશભાઈ બોઘરા, લલિતભાઈ રાદડીયા, ડી. કે. સખીયા, વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.