જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી રવિ ઠેસીયાના અધ્યક્ષ સ્થાને જોષીપરા પ્રાથમિક શાળાના પી.એમ.પોષણ યોજના કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત શાળાના બાલવાટિકા થી ધોરણ 8 સુધીના અંદાજિત 256 બાળકોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મેનુ મુજબ સુખડી પીરસી મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ ડોડીયા, જિલ્લા નાયબ મામલતદાર, સુપરવાઇઝર એ.પી.એમ. પોષણ યોજનાની ટીમ તથા જોષીપરા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા.
એમ.ટી.ડોડીયા દ્વારા શાળાના બાળકોને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનું મહત્વ સમજાવી પોષ્ટિક આહારની સમજ આપી હતી. આ યોજનાનું જિલ્લાના 10 તાલુકાની કુલ 714 સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધો.-8 સુધીના કુલ 79,312 વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા કેલરી પ્રોટીન યુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવેલ. જે અન્વયે તાલુકાના મામલતદારશ્રી તમામ, નાયબ મામલતદાર તમામ, સુપરવાઇઝર દ્વારા પી.એમ. પોષણ યોજનાના કેન્દ્રોની મુલાકાત લઈ ઉપરોક્ત યોજનાનો જિલ્લાના તમામ કેન્દ્રો ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.



