કાલે બે તબક્કાની સિંહ ગણતરી પૂર્ણ, 3254 જેટલા સ્વયંસેવકો જોડાયા
સિંહ વસતિ ગણતરીમાં સમગ્ર વિસ્તારને રિજીયન અને સબ ઝોનમા વહેંચાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગુજરાતનું ગૌરવ અને ગીરની શાન સમા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે યોજવામાં આવે છે. ગત 2020માં કોરોના કાળમાં પૂનમ અવલોકનના આધારે 674 સિંહની વસ્તીનો અંદાજ કરવામાં આવ્યો હતો જોકે આ 2025ની સિંહ ગણતરી દરમિયાન રાજ્યના બે મંત્રી સાસણ ગીર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સિંહ ગણતરીમાં માર્ગદર્શન આપ્યું હતું.જોકે સિંહ વસ્તી ગણતરી આવતીકાલે પૂર્ણ થશે અને તેના આંકડાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવનાર દિવસોમાં જાહેર કરશે જયારે સિંહ પ્રેમી અને વન્ય પ્રેમીના એક અંદાજ મુજબ સિંહની વસ્તી 800 પાર જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સાસણગીર ખાતેથી 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 13 મે સુધી બે તબક્કામાં યોજવામાં આવનાર છે. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામા 35,000 કી.મી. વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2020 માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. વધુમાં જણાવ્યું હતું કે, સિંહ વસ્તી ગણતરી માટે સમગ્ર વિસ્તારને રિજયન, ઝોન, સબ ઝોનમા વહેંચવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, એનજીઓ, અને પ્રથમ વખત 600 જેટલા સ્થાનિક સરપંચો ઉપરાંત સામાજિક સહભાગીતાથી સક્રિય નાગરિકોને પણ આ વસ્તી ગણતરીમાં જોડવામાં આવ્યા છે. આમ, કુલ 3254 જેટલા સ્વય સેવકો વસ્તી ગણતરીમાં સહભાગી બન્યા છે. તેમને ઉમેર્યું હતું કે, પારદર્શિતા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અનુભવીઓને પણ નિરીક્ષક તરીકે જોડવામાં આવ્યા છે. વધુ ઉમેર્યું હતું કે, સિંહોની વસ્તી ગણતરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હાયર રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.
સાસણ ખાતે હાઇટેક મોનિટરિંગ યુનિટમાં ડેટાનું સંકલન અને વિશ્લેષણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે.આ પ્રસંગે સચિવ સંજીવ કુમાર, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વમાં જયપાલસિંહ, એ.પી.સિંહ, આર.કે સુગુર, સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ, જૂનાગઢના રામ રતન નાલા, સાસણગીર ખાતેના વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે વન, પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપતિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીમુકેશભાઈ પટેલે જૂનાગઢ જિલ્લામાં સ્થિત સાસણ ગીરની મુલાકાત લીધી હતી. હાલમાં સાસણમાં 16 મી સિંહ વસ્તી ગણતરી અંદાજ ચાલી રહી છે. જેનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. તમેજ સિંહ ગણતરીમાં જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મંત્રીએ સાસણ ગીર ખાતે આવેલી સિંહ સારવાર માટેની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી હોસ્પિટલની કામગીરીની માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ 10 મે થી શરૂ થયેલ વસ્તી ગણતરી તારીખ 13 મે સુધી યોજવામાં આવનાર છે અને આવતીકાલે સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થશે.



