રૂા. 42.38 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજથી
5 થી 6 લાખ લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે
તા. 24-01-2022ના રોજ સવારના 9:45 કલાકે લક્ષ્મીનગર તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ થશે. આ કાર્યક્રમ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી.
- Advertisement -
આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે.
આ બ્રિજના કારણે શહેરના આશરે 5થી 6 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.


