ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્ટેટ બેંકના ગુજરાત રાજ્યના તમામ કેડરના કર્મચારીઓના હૃદયસ્થ એસ.બી.આઈ. એમ્પ્લોઈઝ યુનિયનના સફળ લોકપ્રિય પૂર્વ જનરલ સેક્રેટરી, સારા વક્તા, ઉદ્ઘોષક, ગાયક, નાટ્યકાર, સર્જક, કુશળ સંગઠક ને એથીય વિશેષ બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમદા માનવી પાંચ દાયકાથી વધુ સમયથી ગુજરાતી રંગભૂમિમાં કાર્યરત કોમરેડ સુબામિયા અકબરઅલી કાદરીનું વિશ્ર્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદ સ્થિત વિશાલા હોટલ દ્વારા ગુજરાતના વિહંગ મહેતા, તુષાર શુક્લ, સિદ્ધાર્થ રાંદેરિયા, રાગિણી શાહ, જૈમીની ત્રિવેદી સહિતના ગુજરાતી રંગભૂમિના 11 વરિષ્ઠ કલાકારોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું. જેમાં નાટ્ય કલાકાર અને પ્રોડ્યુસર કોમરેડ કાદરીનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. વિશાલા હોટલમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જોરાવરસિંહ જાદવ, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, વિશાલા હોટલના માલીક અને કાર્યક્રમના આયોજક સુરેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાતભરના રંગભૂમિના કલાકારો- ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. સૌના લાડીલા અને માનીતા વરિષ્ઠ કલાકાર કાદરીને સન્માન બદલ રાજકોટના જૂના સાથીઓ મનુભાઈ કનેરીયા, અજીત ચૌહાણ, અનુપમ દોશી, પરસોતમ મુંગલપરા, શિરીષ કચ્છી, વિજય મંગલાણીએ અભિનંદનસહ શુભકામનાઓ પાઠવી છે. કાદરીના મોબાઈલ નંબર 9898245678 પર શુભકામનાઓ વરસી રહી છે.



