પુત્ર ગંભીર છતાં સી.એમ. મુંબઈ-ગાંધીનગર વચ્ચે સંતુલીત બની કામ કરે છે : મોદી
આમ-આદમી જેમ જ પ્રવાસ અને કોઈ સરકારી સુવિધા લેતા નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે એક ટવીટ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર જીવનની સાદગી અને નીતિમતા અંગે ટવીટ કરીને સૌ ગુજરાતીઓના દિલ જીત્યા અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે પણ વડાપ્રધાન મોદીના પ્રેમ તથા સન્માનનો પણ પરિચય આપ્યો હતો. શનિવારે પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, પુત્રની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ અને મુંબઈમાં બ્રેઈન સ્ટ્રોકની સારવારમાં અનુજ પટેલ સતત આઈસીયુમાં છે છતાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અત્યંત સ્વસ્થ રહીને તેમની મુખ્યમંત્રી તરીકેની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે રીતે બન્ને તરફ સંતુલન સાથે કામ કરી રહ્યા છે. વાસ્તવમાં શ્રી પયેલ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે સતત આવાગમન કરતા રહે છે પણ તેઓએ સરકારી વિમાનનો ઉપયોગ કરવાના બદલે રેગ્યુલર ફલાઈટમાં સામાન્ય પ્રવાસીઓ સાથે જાય છે. તેઓએ જો ઈચ્છયું હોત તો સરકારી વિમાનમાં આવાગમન કરી શકયા હોત પણ તેમ કર્યુ નથી અને તેમના પુત્રને અમદાવાદથી મુંબઈ શીફટ કરવા જે સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો તેનું રૂા.3 લાખનું ભાડું પણ તેઓએ એડવાન્સમાં ભરી દીધુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો કે અનુજ પટેલના સ્વાસ્થ્ય અંગે સતત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંપર્કમાં છે પણ તેમાં ગઈકાલે વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને લખ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમતા અને સાદગીનો ઉતમ દાખલો બેસાડયો છે અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રીય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરૂ છું.