સુરેન્દ્રનગરમાં ‘ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ’નું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હિરાસર માટે થશે રવાના: ઑગસ્ટ સુધીમાં એરપોર્ટ શરૂ કરી દેવા અપાઈ શકે આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે હિરાસરમાં નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એરપોર્ટને કોઈ પણ ભોગે ઑગસ્ટ સુધીમાં શરૂ કરી દેવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે ત્યારે તૈયારીઓની સમીક્ષા માટે એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની રાજકોટ મુલાકાતમાં પણ વધારો થઈ ગયો છે
ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિરાસર એરપોર્ટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે કાલથી પાંચ જૂન સુધી આયોજિત ‘ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ’ના ઉદ્ઘાટન માટે સુરેન્દ્રનગર આવી રહ્યા છે. આ કોન્કલેવનું આયોજન આનંદભવન ખાતે કરવામાં આવ્યું છે જેનું સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વનમંત્રી કિરીટસિંહ રાણા સહિતના ખાસ ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સીધા હિરાસર એરપોર્ટ પર પહોંચશે અને એરપોર્ટ નિર્માણ કાર્યની સમીક્ષા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે હિરાસર એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે અને તે ઝડપથી સાકાર કરવા માટે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સહિતના પણ હિરાસર એરપોર્ટ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે ઑગસ્ટ સુધીમાં એરપોર્ટ કાર્યાન્વિત કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે હિરાસર એરપોર્ટના રન-વેનું 90% કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ટર્મિનલ, એટીસી ટાવર સહિતની કામગીરી અત્યારે ચાલી રહી છે જેમાં ઝડપ લાવવા માટે મુખ્યમંત્રી આદેશ આપશે. આ ઉપરાંત જમીન સંપાદનને લઈને આવતી અડચણોનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. બીજી બાજુ મુખ્યમંત્રી કાલે હિરાસર જવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટીમાં પણ દોડધામ મચી જવા પામી છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ ભાજપને જોરદાર ફાયદો કરાવી શકે તેમ હોવાથી એરપોર્ટનું નિર્માણ ઑગસ્ટ સુધીમાં કરી દેવા માટેના પ્રયાસો ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
સપ્ટેમ્બરમાં ઙખ મોદી હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટનમાં આવે તેવી સંભાવના
આ અંગે વધુમાં રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ હિરાસર એરપોર્ટનું રન-વેનું કામ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. ફ્લાઈટ લેન્ડિંગ ટેસ્ટીંગ ઓગસ્ટમાં શરૂ થશે તેમજ ગામ શિફ્ટીંગ બે મહિનામાં કરાશે. વધુ મહત્ત્વની બાબત કે ઓગસ્ટમાં હિરાસર એરપોર્ટની કામગીરી મહદ્અંશે પૂર્ણ થઈ જશે તેમજ સપ્ટેમ્બર મહિનામાં પી.એમ. નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટન માટે આવે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત હિરાસર એરપોર્ટનું વધારાનું કામકાજ 2040 સુધી ચાલુ રહી શકે રન-વે સહિત અન્ય કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.