વઢવાણમાં રૂ. 56 કરોડના રિવરફ્રન્ટ એક્સટેન્શન સહિત વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 539.26 કરોડના ખર્ચે કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઝાલાવાડની ધરતી પર આજે વિકાસનો સૂર્યોદય થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઝડપી વિકાસની નવી દિશા ખુલશે. મુખ્યમંત્રીએ ખાસ કરીને જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં વિકસાવવામાં આવી રહેલું રિવરફ્રન્ટ અમદાવાદની જેમ આ વિસ્તારનું નવું આકર્ષણ બની રહેશે અને નગરજનો માટે હરવા-ફરવાનું શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન રૂ. 93.17 કરોડના શિક્ષણ અને શહેરી વિકાસ સંબંધિત પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં (1) વઢવાણ શહેરમાં અમૃત 2.0 યોજના અંતર્ગત રૂ. 42.26 કરોડના ખર્ચે નલ સે જલ યોજના, (2) રૂ. 8.57 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ પાછળ રિવરફ્રન્ટનું કામ, (3) મનપા વિસ્તારમાં રૂ. 5.70 કરોડના ખર્ચે 16.26 કિ.મી.ના ડામર રસ્તાઓ, (4) રૂ. 4.64 કરોડના ખર્ચે બનેલા સી.સી. રસ્તાઓ તેમજ (5) રૂ. બે કરોડના ખર્ચે અલ્ટ્રા હાઈ પ્રેશર મીની ફાયર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ. 457 કરોડના ખર્ચે 25 નવા વિકાસપ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. જેમાં રૂ. 7.70 કરોડના ખર્ચે બોડા તળાવનું ડેવલોપમેન્ટ, રૂ. 1.50 કરોડના ખર્ચે મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટનું નિર્માણ, રૂ. 10.01 કરોડના ખર્ચે મનપાના નોર્થ ઝોનમાં હોકર્સ ઝોન તથા ફૂડ પાર્ક અને રૂ. 55.78 કરોડના ખર્ચે ભોગાવો નદીના ઉત્તર કાંઠે બસ સ્ટેશન પાછળથી ગેબનશાપીર સુધી રિટેનીંગ વોલ સાથે રસ્તા સહિતના રિવરફ્રન્ટ એક્સટેન્શનના કામનો સમાવેશ થાય છે.



