મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાએ 8 બોલમાં 22 રન ફટકારી મેચ પલ્ટી નાંખી
ખાસ-ખબર સંવાદદાતા
આઈપીએલમાં રવિવારે વધુ એક ડબલ હેડર મુકાબલો યોજાયો હતો.. રવિવારની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ અને ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ટકરાઇ હતી. પહેલા બોલથી છેલ્લા બોલ સુધી દિલધડક રહેલી રવિવારની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે મેચના છેલ્લા બોલે કોલકાતા નાઇટ રાઇડર્સને બે વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઇની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 172 રનનું લક્ષ્ય પાર કર્યું હતું. કેકેઆરની ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનું પસંદ કરી છ વિકેટે 171 રન નોંધાવ્યા હતા. રવિવારની પ્રથમ મેચમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મેચનું પલ્લું વારંવાર બન્ને ટીમની તરફેણમાં નમતું નજરે ચડતું હતું પણ છેલ્લે જીત ચેન્નઇના તાબામાં ગઇ હતી અને આ જીત સાથે ચેન્નાઇએ પોઇન્ટ ટેબલમાં ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે.
172 રનના લક્ષ્ય સાથે મેદાન ઉપર ઊતરેલા ચેન્નાઇના ઓપનરો ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસીએ ઇનિંગની મજબૂત શરૃઆત કરી હતી. બન્નેએ ફટકાબાજી કરીને પાવર પ્લેમાં કોઇ વિકેટ ગુમાવ્યા વગર ટીમના ખાતામાં બાવન રન નોંધાવી દીધા હતાં.
- Advertisement -
મોર્ગન આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા નીતિશ રાણાએ પહેલાં આંદ્રે રસેલ સાથે 36 રનની ભાગીદારી કરી હતી. રસેલે 15 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી, પણ તેને શાર્દૂલ ઠાકુરે બોલ્ડ કર્યો હતો. તે પછી તેની સાથે દિનેશ ર્કાતિક જોડાયો હતો જેણે 11 બોલમાં સ્ફોટક ઈનિંગ દર્શાવી હતી. નીતિશ રાણા 37 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. રાણાએ ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આમ છેલ્લી ઓવરોમાં ઝડપી રમતના કારણે કેકેઆરનો સ્કોર 170ને પાર થયો હતો. ચેન્નઇ તરફથી જોશ હેઝલવૂડ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે રવીન્દ્ર જાડેજાને એક સફળતા મળી હતી. બ્રેવોના સ્થાને ટીમમાં આવેલા સેમ કરન બોલિંગમાં ઝળક્યો ન હતો. તેણે ચાર ઓવરમાં કોઇ વિકેટ લીધા વગર 56 રન આપ્યા હતાં.