ક્ષ લૂઝ દૂધ વેંચતી ડેરી ઉપર તવાઇ : વધુ 15 જેટલા નમુના લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં દૂધમાં થતી ભેળસેળ રોકવા રાજ્ય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા. જે બાદ મનપાનો ફૂડ વિભાગ સતર્ક બન્યો છે અને શહેરની અલગ-અલગ ડેરીઓમાં દરોડા પાડી દુધના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 15 જેટલી ડેરીમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા, ત્યારે આજે વધુ 15 ડેરીમાંથી દુધના નમૂના લઈ લેબોરેટરીમાં ચેકીંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર રોડ પરની વિશાલ ડેરી સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વેચાતાં ગાયનું દૂધ, ભેંસનું દૂધ તેમજ મિક્સ દુધના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ જણાશે તો જે-તે ડેરીનાં સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોર્પોરેશનનાં ફૂડ સેફટી ઓફિસર પરમારનાં જણાવ્યા મુજબ વિશાલ ડેરી ઉપરાંત રાજકોટ શહેરમાં આવેલી કુલ 30થી વધુ ડેરીમાંથી દુધના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દૂધમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ તેમજ પાણી મેળવવા સહિતની ભેળસેળ કરવામાં આવતી હોય છે.
સ્વાસ્થ્ય માટે આવી ભેળસેળ હાનિકારક હોવાથી ફૂડ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થાય તો વેપારી સામે એજ્યુકેશન મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી દૂધના નમૂના લેવા શરૂ કરવામાં આવ્યા છે. બે દિવસમાં સામાકાંઠાથી માંડી ન્યુ રાજકોટ સુધીની 15 ડેરીમાંથી ભેંસના દૂધ, ગાયના દૂધ અને મિક્સ દૂધના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને આજે વધુ 15 મળી કુલ 30 ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચનાથી દૂધમાં ભેળસેળ રોકવા આ કડક ઝુંબેશ આગળ વધારવામાં આવી છે. અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવનાર છે.