તીવ્ર દુર્ગંધ પ્રસરી જતા આંખમાં બળતરા થવાથી દુકાનદારો અને ઉદ્યોગકારો ધંધા બંધ કરીને નીકળી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી પાછળ આવેલ સંતોષ આઈસ નામની બરફની ફેકટરીમાં રીપેરીંગ દરમિયાન એમોનિયા ગેસ લીકેજ થવા લાગ્યો હતો જે બાદ ગેસની અસર ઓછી કરવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતું. આ ગેસયુક્ત પાણી ડ્રેનેજમાં ગયું હતું અને વરસાદ શરૂ થયો ત્યારબાદ એમોનિયા ગેસયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળી જતા આજુબાજુના આદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં ગેસની દુર્ગંધ ફેલાઈ હતી જેના પગલે સ્થાનિકોની આંખમાં અને ગળામાં બળતરા શરુ થઈ હતી.
- Advertisement -
આ ઉપરાંત ઉધોગકારો અને દુકાનદારો પોતાના વેપાર ધંધા બંધ કરીને સલામત સ્થળે દોડી ગયા હતા જોકે સ્થાનિકો ક્યાંય જઈ શકે તેમ ન હોવાથી રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા હતા.
આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ એમોનિયા ગેસની માત્રા ઓછી હતી અને ગેસ વરસાદના પાણીમાં ભળી જતા એની અસરની માત્રા ઘટી જાય છે અને બહુ નુકશાન કરતી નથી.
દુર્ગંધ ફેલાવવાથી આંખમાં બળતરા થાય છે પણ વધુ નુકશાન કરતો નથી.
એમોનિયા ગેસ પાણીમાં ભળી જવાથી દુર્ગંધ વધુ ફેલાઈ હતી અને ફાયર વિભાગ દ્વારા પણ ગેસની અસર ઘટાડવા જરૂરી કેમિકલ છાંટવામાં આવ્યું હતું.