દોડ કસોટી માત્ર પાસ કરવી પડશે; માર્કસ નહીં અપાઇ
100ને બદલે 200 માર્કની ઓબ્જેકટીવ MCQ પરીક્ષા લેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુકત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વના ફેરફાર જાહેર કરાયા છે. તે મુજબ ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં દોડ ફકત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, પરંતુ તેના કોઈ ગુણ રહેશે નહીં. અત્યાર સુધી દોડને મહત્વ અપાતું હતું તેના કારણે ભરતીમાં કેટલાક ઉમેદવારોને મુશ્કેલી પડતી હોવાનું ધ્યાને લઈ આ ફેરફાર કરાયો છે.
તે સાથે 100 ગુણની એમસીકયુ ટેસ્ટના બદલે હવે 200 ગુણનું ઓબ્જેકટીવ એમસીકયુ ટેસ્ટનું પેપર લેવાશે. તેના ભાગ એ અને બી એમ બંનેમાં પાસ થવા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સના સમયગાળા માટે વધારાના ગુણ આપવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજયના યુવાનો માટે લોકરક્ષકની ભરતીમાં દોડ પાસ જ કરવાની રહેશે તેવો નિર્ણય સરકારે લીધો છે. તે સાથે પહેલા ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવાતું હતું તે રદ કરાયું છે. તે રીતે કસોટી ફકત કવોલિફાઈંગ રહેશે અને તેને કોઈ ગુણ અપાશે નહીં. તે પછી તેમાં પાસ ઉમેદવારો ઓબ્જેકટીવ એમસીકયુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
જૂના પરીક્ષાના નિયમો પૈકી સાયાકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એકટ જેવા વિષયો રદ કરી તેના સ્ટાને ડેટા ઈન્ટરપ્રિટેશન, ભારતનું બંધારણ, સાંપ્રત વિષયો, કલ્ચરલ હેરિટેજ વગેરે વિષયો રખાયા છે. ઉમેદવારોની આખરી પસંદગી ઓબ્જેકટીવ એમસીકયુ ટેસ્ટ અને વધારાના ગુણને આધારે તૈયાર કરાશે.