ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ સેન્ટ્રલ જીએસટી ટીમે દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં રાજકોટની સીજીએસટી ટીમે ધામા નાખ્યા હતા અને મોરબી રાજકોટ હાઇવે પર આવેલ રેક્ઝીનની બે ફેક્ટરીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બોગસ બિલિંગ થકી રૂ. 40 લાખની કરચોરી ઝડપાઈ હતી.
વિધાનસભા ચુંટણીના કારણે બે મહિનાથી જીએસટી વિભાગની ટીમ શાંત જોવા મળતી હતી હવે ચુંટણી પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર વિવિધ એજન્સીઓ પોતાની રેગ્યુલર કામગીરી માટે સક્રિય થવા લાગી હોય તેમ ધડાધડ અલગ અલગ જગ્યાઓ પર ફરીવાર દરોડા પડવાના શરુ થવા લાગ્યા છે. મંગળવારે મોરબી જીલ્લામાં રાજકોટની સીજીએસટીની ટીમે ધામા નાખ્યા હતા અને ટંકારાના લખધીરગઢ પાસે આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ તથા શાલદીપ કોટિંગ નામના રેક્ઝીનના બે યુનિટોમાં સીજીએસટી ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બંને ફેક્ટરીમાંથી અન્ડર ઈન્વોઈસ તેમજ બોગસ બિલીંગ થકી રૂ. 40 લાખની જીએસટી ચોરી થઈ હોવાનું સામે આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારા નજીક બે રેક્ઝિન યુનિટોમાં CGSTના દરોડા, 40 લાખની કરચોરી ઝડપાઈ
