બેબી ફૂડમાં વધુ પ્રમાણમાં ખાંડના ખુલાસા બાદ સુપ્રીમકોર્ટનું આકરું વલણ
લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરખબરો સામે તત્કાળ પગલાં ભરવાનો નિર્દેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી , તા.24
સુપ્રીમકોર્ટે મંગળવારે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્ધઝ્યુમર ગુડ્સ) કંપનીઓની ગેરમાર્ગે દોરતી જાહેરખબરો મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે આ મુદ્દે શું કાર્યવાહી કરી એ વિશે ત્રણ કેન્દ્રીય મંત્રાલયોને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. હાલમાં જ એફએમસીજી કંપની નેસ્લેના બેબી ફૂડમાં વધુ પ્રમાણમાં ખાંડ મળી આવ્યાના રિપોર્ટ વચ્ચે સુપ્રીમકોર્ટનું વલણ મહત્ત્વનું છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે જણાવ્યું હતું કે ભ્રામક જાહેરખબરોનો મુદ્દો પતંજલિ પૂરતો મર્યાદિત નથી. તમામ એફએમસીજી કંપનીઓ સામેલ છે જે ભ્રામક જાહેરખબરો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરે છે. બાળકો તથા વૃદ્ધોના આરોગ્ય પર તેની અસર થઈ રહી છે. કોર્ટે કહ્યું કે આવી જાહેરખબરો આવે તો કેન્દ્ર અને રાજ્યની લાઇસન્સ ઑથોરિટીએ સક્રિય થવું જોઈએ.
તમે ખભા ઉલાળીને એવું ન કહી શકો કે અમે રાજ્યોને ફરિયાદ જણાવી દીધી છે. ઓગસ્ટ 2023માં આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પત્ર અંગે પણ કોર્ટે કેન્દ્રનો ખુલાસો માગ્યો છે. આ પત્રમાં રાજ્યોને ડ્રગ્સ અને કોસ્મેટિક નિયમ 170 હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ પતંજલિની ભ્રામક જાહેરખબરો મુદ્દે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ તરફથી વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે સોમવારે 67 અખબારોમાં શરતી સાર્વજનિક માફીની જાહેરાત આપવામાં આવી છે. આ મુદ્દે કોર્ટે સવાલ કર્યો કે શું આ જાહેરખબરો એ જ સાઇઝમાં હતી જેટલી અગાઉની ગેરમાર્ગે દોરતી જાહેરખબર હતી? રોહતગીના ઇનકાર બાદ કોર્ટે કહ્યું કે અમે અસલી સાઇઝમાં માફીની જાહેરખબર જોવા માગીએ છીએ. જાહેરખબરોનું કટિંગ અમને મોકલો. હવે આ કેસમાં 30 એપ્રિલે સુનાવણી થશે.
- Advertisement -
IMA પોતાનું ઘર ઠીક કરે, તમારા ડોક્ટર પણ મોંઘી દવાઓ અને સારવાર લખી રહ્યા છે
સુપ્રીમકોર્ટે પતંજલિ કેસમાં અરજી કરનાર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને પણ ‘પોતાનું ઘર ઠીક કરવા’ સલાહ આપી હતી. કોર્ટે આઇએમએના વકીલને કહ્યું કે એસોસિયેશન પતંજલિ સામે આંગળી ઉઠાવી રહ્યું છે પણ ધ્યાન રાખો કે બાકીની ચાર આંગળીઓ તમારી (આઇએમએ) તરફ છે. આ બધું એફએમસીજીમાં નથી આવતું. તમારા સભ્યો પણ આવી પ્રોડક્ટનું સમર્થન કરે છે. કોર્ટે આકરું વલણ દર્શાવતા કહ્યું કે તમારા સભ્ય (ડોક્ટર) ઘણી મોંઘી દવાઓ અને સારવાર લખી આપે છે.
આ અનૈતિક કૃત્ય છે. આઇએમએના સભ્યોના અનૈતિક આચરણની ફરિયાદો તમારી પાસે આવી હશે. આઇએમએએ એની સામે શું કાર્યવાહી કરી છે? અમે તમારા પ્રત્યે પણ નિશાન કરી શકીએ છીએ. જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે, હું ચેનલનું નામ નહીં લખું. સમાચારો ફ્લેશ થઈ રહ્યા છે કે આજે કોર્ટમાં આ થયું અને બાજુમાં જ જાહેરખબર હોય છે. આ કેવી વિડંબણા છે. કોર્ટે આ મુદ્દે નેશનલ મેડિકલ કાઉન્સિલને પણ પ્રતિવાદી બનાવવાનો આદેશ આપ્યો હતો.