ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન અને જાગૃતિ શિબીરનું કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રકૃતિવિદો, બૈાધિક નગરજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે પૃથ્વીપટલ પર ધબકતા જૈવસૃષ્ટીનાં સંરક્ષક વાયુ આવરણ એટલે કે ઓઝોન સ્તરની ખેવના કરવા આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં માધ્યથી આપણે સૈા એકત્રીત થયા છીએ ત્યારે વૈશ્વિક પડકાર કહી શકાય એવી વિશ્વ ઓઝોન દિવસ 2024 સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યોને આપણે ગંભીરતાથી લેવા જોઇએ. ઓઝોન સ્તર સૂર્યના લગભગ 98% અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લેવામાં સક્ષમ છે. ક્લોરોફ્લોરોકાર્બન એક રાસાયણિક તત્વ છે જે ઓઝોન સ્તરને ભારે નુકસાન પહોંચાડે છે.1985 દરમિયાન, એન્ટાર્કટિકામાં ઓઝોન સ્તરની આસપાસ એક છિદ્ર મળી આવ્યાનું આપણે અખબારો દ્વારા વાંચ્યુ હશે. ત્યારે આવો આપણે સૈા સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી અનેક પ્રકારની બિમારીઓ લઈને ચિંતિત બની પર્યાવરણ અને પ્રકૃતિનું સંવર્ધન કરીએ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન દરમ્યાન અલગ અલગ પ્રકારની ઐાષધિય વનસ્પતિનાં બીજ આપવામાં આવ્યા હતા. સાથે યુનિ.માં જૈવીક ધન-પ્રવાહી કચરાને સૈન્દ્રીય ખાતરમાં પરિવર્તિત કરી યુનિ. કેમ્પસનાં છોડને સિંચવાનો નવતર પ્રયાસ સરાહનિય છે.
- Advertisement -
કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને સૈારાષ્ટ્ર યુનિ.નાં બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) રમેશ કોઠારીએ પોતાનાં ઓઝોન જાગૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યુ હતુ કે દર વર્ષે 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી ઓઝોન સ્તરના રક્ષણ માટે જાગૃતિ કેળવવા ઉજવીએ છીએ. ઓઝોન સ્તર આપણી પૃથ્વીના રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. આ દિવસ આપણને બધાને ઓઝોનના વિકાસને સમૃદ્ધ અને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. ઓઝોન સ્તર આપણને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો (યુવી-રે) થી રક્ષણ આપે છે, ઓઝોન સ્તરને વધુ પડતા રાસાયણિક નુકસાનથી બચાવવાની જવાબદારી તો છે સાથે સાથે એક મહત્વપૂર્ણ પર્યાવરણીય ચિંતા માનવામાં આવે છે.