શોભાયાત્રા, મહાપ્રસાદ, મ્યુઝીકલ પ્રોગ્રામ સાથે અનેરો ઉત્સાહ
કાલે રેલ્વે સ્ટેશનથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને દામોદરકુંડ ખાતે સંપન્ન થશે, સૌરાષ્ટ્રમાંથી 35થી વધુ ઝાંખીઓ જોડાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ સિંધી નૂતનવર્ષ ચેટીચંડની શહેરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જૂનાગઢમાં ઝુલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા 49 વર્ષથી સિંધી નૂતનવર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે આ વર્ષે પણ આજે બપોરે 12 કલાકે બહીરાણા સાહેબ શહેરમાં ફરશે અને સાંજે 8 કલાકે સિંધી સંગીત મ્યુઝીકલ પાર્ટી યોજાશે. જ્યારે લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા આજે સાંજે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ચેટીચંડ મહોત્સવ નિમિતે જ્ઞાતિ સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
જૂનાગઢ શહેરમાં આવતીકાલે તા.11 એપ્રિલે ગુરૂવારના રોજ રેલ્વે સ્ટેશનથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી 35થી વધુ ઝાંખીઓ જોડાશે જેમાં બાંટવા, માણાવદર, વંથલી, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ઉપલેટા સહિતના અનેક તાલુકામાંથી બહિરાણા મંડળીઓ અને ઝાંખીઓ ભાગ લેશે. આ શોભાયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઇને સુખનાથ ચોક, સર્કલ ચોક, પંચહાટડી ચોક થઇને એમજી રોડ થઇને કાળવા ચોક સાથે દામોદરકુંડ ખાતે સંપન્ન થશે. જયાં જુલેલાલ સાહેબની જ્યોત પધરાવવામાં આવશે અને ત્યાર બાદ ઝાંખીઓને મેડલ અને રોકડ પુરષ્કાર આપી સન્માનીત કરવામાં આવશે.