પૂ. જે.પી.ગુરૂદેવની નિશ્રામાં રાજકોટમાં વિવિધ કાર્યક્રમો : જિનશાસનનો પ્રસરાવશે સંદેશો
કોરોના કાળના બે વર્ષ બાદ આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહાવીર જયંતિ જન્મકલ્યાણક મહોત્સવની ધામધુમથી ઉજવણી થવાની છે તો જુનાગઢ જેવા અમુક શહેરોમાં આજે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.આવતીકાલ તા. 14ના ગુરૂવારના રોજ રાજકોટ ઉપરાંત જામનગર, ગોંડલ, બોટાદ સહિતના શહેરોમાં મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે. રાજકોટમાં જૈનમ અને સમસ્ત જૈન સમાજ દ્વારા શોભાયાત્રા પૂ.જે.પી.ગુરૂદેવની નિશ્રામાં મણીયાર દેરાસર ખાતેથી સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરશે. જે પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના ભૂતપૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહેવાના છે. શુક્રવારે સ્થાનકવાસી જૈનો માટે આયંબિલની ઓળીનો છેલ્લો દિવસ છે. તો મૂર્તિપૂજક જૈનો માટે શનિવારે છેલ્લો દિવસ છે.
ચૈત્ર સુદ-13ના રોજ મહાવીર જન્મકલ્યાણક પ્રસંગની બે વર્ષ બાદ નીકળનારી શોભાયાત્રામાં વિવિધ ફલોટસ જોડાવાના છે. શ્રમણ ભગવાન વીર પ્રભુશ્રી મહાવીર સ્વામીજીના જિનશાસનના સંદેશને આ યાત્રા પ્રસરાવશે.રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાના કાર્યક્રમ ઉપરાંત આજે અને કાલે તા. 13 તથા 14ના રોજ રાજકોટના બાલભવનમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જૈન વિઝન દ્વારા ‘આવો રે આવો મહાવીર નામ લઇએ’નો ભકિત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કસુંબીનો રંગ કાર્ય ક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


