DCP મનોહરસિંહ જાડેજા, સોશિયલ મીડિયા, મોડર્ન પુલિસિંગ અને ટ્રેડિશનલ પુલિસિંગ!
કિન્નર આચાર્ય
હમણાં એક વેબ સિરીઝ જોઈ. તેમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી પોતાનાં જુનિયરને કોઈ કેઇસનાં ડેવલપમેન્ટ અંગે સવાલ કરે છે. પેલો જુનિયર કહે છે કે, હજુ આરોપીનો લેપટોપ ડેટા રિટ્રીવ નથી થયો, કોલ ડીટેઇલ રિપોર્ટ આવ્યો નથી. ટૂંકમાં, કશું જ ડેવલપમેન્ટ નથી. અધિકારીનો દિમાગ છટકે છે. એ પેલાને એક જ સવાલ કરે છે: “મોબાઈલ – લેપટોપ ન હતા ત્યારે શું ગુનાઓ નહોતા બનતાં? ત્યારે ગુનાખોરી નહોતી? શું ત્યારે આપણે કેઇસ નહોતા ઉકેલતાં?”
વેબ સિરીઝના આ એક જ સંવાદમાં એક આખો ગ્રંથ છૂપાયો છે. આજકાલ જાણે ’ટ્રેડિશનલ પુલિસિંગ’ અથવા તો પરંપરાગત પોલીસ કાર્યવાહીનો રીતસર મૃત્યુઘંટ વાગી ગયો છે. નાનો એવો ગુનો નોંધાયો હોય કે પછી હાઈ – પ્રોફાઈલ મર્ડર કેઇસ હોય કે ફિલ્મસ્ટાર્સની સંડોવણી ધરાવતું ડ્રગ રેકેટ હોય, પોલીસનું સઘળું ફોકસ કોલ ડિટેઇલ રિપોર્ટ પર કે લેપટોપ પર જ હોય છે. બેશક, તેનાંથી ઘણાં કેઇસમાં સહાયતા મળે છે. પરંતુ, તેના સિવાય પણ એક જગત છે, તેની બહાર પણ એક દુનિયા છે. પોલીસ અધિકારી જો શાર્પ હોય અને તેજ દિમાગ હોય તો તેની પોતાની નજર કોઈ સ્કેનરથી કમ ન હોય. આરોપીની આંખના હાવભાવ પણ વાંચી શકે એ સાચો ઓફિસર. પૂછપરછ, સતત પૂછપરછ, અનેક પાત્રોની પૂછપરછ, અને આ ઈન્કવાયરી થકી મેળવેલા અંકોડા…. પુરાવાઓ, સાંયોગિક પુરાવાઓ અને સાહેદો, આ છે ટ્રેડિશનલ પુલિસિંગ. અને સી.સી.ટી.વી.કેમેરા નહોતા ત્યારે પણ તેનાં પૂર્વજો જેવાં ખબરીઓ જાણે પોલીસના મિત્રોનું કામ કરતાં હતાં. ખબરીઓનું આખું નેટવર્ક હતું. આજે આ બધું સાવ નષ્ટપ્રાય નથી થયું. પરંતુ તેની પરથી ધ્યાન સાવ ઓછું થઈ ગયું છે અને બધું જ ફોકસ હવે કોલ ડીટેઇલ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ, ડિજિટલ ફૂટ પ્રિન્ટ પર જ છે.
વાસ્તવિકતા એ છે કે, પરંપરાગત પોલીસ પ્રક્રિયા સાથે આજની ટેકનોલોજીનું સંયોજન સધાય તો ઉત્તમ પરિણામો મળે. આ બાબતે ફ્યુઝન અનિવાર્ય છે. પોલીસનું દિમાગ અને ટેક્નોલોજીનો સાથ… બેમાંથી કશાનું મૂલ્ય ઓછું નથી. ટેક્નોલોજીને દિમાગ નથી હોતું, એ તમને પાયાના પુરાવાઓ આપી શકે, એ પુરાવાઓ પર કામ તો પોલીસે જ કરવું પડે. આટલી લાંબી પારાયણ કરવા પાછળનું પ્રયોજન છે, તાજેતરમાં જ રાજકોટમાં બનેલી એક ઘટના. આ બનાવ પોલીસ ચોપડે નોંધાયો નથી પરંતુ તેમાં પોલીસની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે.
રાજકોટની એક શૈક્ષણિક સંસ્થાના શિક્ષિકા એક વિચિત્ર – વિકૃત માનસિકતાના ભોગ બની રહ્યાં હતાં. આ સંસ્થાના શિક્ષિકાના મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ સતત કોઈ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી રહ્યું હતું. સંચાલકોએ આ બાબતે શહેરના સાયબર ક્રાઇમ યુનિટને ફરિયાદ કરી. યુનિટ દ્વારા એ વિષયે ઈન્સ્ટાગ્રામને નિયત પ્રક્રિયા મુજબ મેઈલ મોકલીને પેલા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી. આવા કિસ્સાઓમાં આવી બધી સોશીયલ મિડીયા સાઈટ્સ કે પ્લેટફોર્મ તરફથી પ્રતિસાદ – પ્રત્યુત્તર મળે તો છે, પરંતુ ઘણી વખત તેઓ ખૂબ સમય પસાર કરી નાંખે છે. ઇન્સ્ટાગ્રામ તરફથી જવાબ આવ્યો તો ખબર પડી કે એકાઉન્ટ ક્રિએટ કરનાર વ્યક્તિ ખૂબ શાણો હતો અને ટેક્નોલોજીનો જાણકાર હતો. એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, દરેક વખતે એ નવી આઇ. ડી. ક્રીએટ કરતો હતો અને શિક્ષિકાના મોર્ફ – અશ્લિલ ફોટોગ્રાફસ મૂક્યા પછી થોડાં સમયમાં એ આઇ. ડી. ડીલીટ કરી નાંખતો હતો. એટલાં સમયગાળામાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જે – તે ફોટો જોઈ લીધો હોય અને શિક્ષિકાની આબરૂનું ધોવાણ થઈ ચૂક્યું હોય.
બનતું એવુ કે, શિક્ષિકા જો ક્લાસમાં કોઈને શિસ્ત અંગે, ભણતર અંગે નાની શી ટકોર પણ કરે તો ય બીજા દિવસે ઈન્સ્ટાગ્રામ પર તેમનાં અશ્લિલ ફોટોઝ મૂકાઇ જાય. ગુનેગાર એકદમ ચાલાક અને ટેક્નોસેવી હતો, તેથી તેનું પગેરું દબાવવું કપરું બની ગયું હતું. છેવટે સંસ્થાના સંચાલકો રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પુલિસ મનોહરસિંહ જાડેજાને મળ્યા, તેમને આખી કથા કહી, ઘટનાક્રમ વિશે માહિતી આપી. ડી.સી.પી. જાડેજા એક શાર્પ દિમાગ ધરાવતા બાહોશ અધિકારી છે. આખા કેઇસનો અભ્યાસ કરીને તેઓ ક્ષણભરમાં એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે, આ કિસ્સામાં આરોપીના ડિજિટલ ફૂટ પ્રિન્ટ શોધવા કરતાં ટ્રેડિશનલ પુલિસિંગ અજમાવવું કદાચ વધુ કારગત નિવડી શકે. તેમણે સંચાલકોને પૂછ્યું કે, તેમને કોઈ પર શંકા છે કે કેમ. સંચાલકોએ ત્રણેક વિદ્યાર્થીઓના નામ આપ્યા. ડી.સી.પી. જાડેજાએ પેલાં ત્રણેયને કમિશનર ઓફિસ બોલાવ્યા. પોલીસની પરંપરાગત શૈલીમાં તેમની પૂછપરછ કરી, તેમાંના બે વિદ્યાર્થીઓએ થોડીવારમાં જ પોતાનું પાપ કબૂલ કરી લીધું!
જે મામલો મહિનાઓથી અટકતો હતો, લટકતો હતો, એ થોડાં કલાકોમાં જ પતી ગયો. સાયબર ક્રાઇમ યુનિટ અને ઈન્સ્ટાગ્રામ વચ્ચે અઠવાડિયાઓ સુધી ચાલેલી મેઇલબાજી પછી પણ જે પ્રકરણ પત્યું નહોતું એ ક્ષણવારમાં પતી ગયું. વાતનો સાર એટલો જ કે, આજનાં યુગમાં પરંપરાગત ઢબે પોલીસ કાર્યવાહી કરવી, એ પણ એક નવતર વિચાર છે.
પોલીસ, પુલિસિંગની ચર્ચાઓ ઉપરાંત આ ઘટના બીજી પણ કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ માંગી લે છે. સવાલ એ છે કે નવી યુવાપેઢીની કેટલી હદે અધોગતિ થઇ ગઈ છે. ગઇકાલે જ ટીચર્સ ડે ગયો, આ તકે એ ચિંતન પણ જરૂરી છે કે, યંગ જનરેશન પોતાનાં શિક્ષકોને કઈ દૃષ્ટિથી નિહાળે છે. આજની યુવાપેઢી પાસેથી કોઈ એવી અપેક્ષા નથી રાખતું કે, તેઓ ગુરુકુળનાં વિદ્યાર્થીઓની જેમ દરરોજ શિક્ષકોને ચરણસ્પર્શ કરે. એટ લીસ્ટ, તેઓ થોડો આદર આપે, થોડું માન આપે તો પણ ભયો ભયો.
થોડી ચિંતા અને થોડું ચિંતન એ બાબતે પણ થવું જોઈએ કે, ટેકનોલોજી જેવી આશીર્વાદરૂપ બાબતોને પણ આપણે આપણી વિકૃતિ ઠાલવવાનું માધ્યમ બનાવી દીધું છે. સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મએ આપણને વધુ સ્વાતંત્ર્ય આપ્યું એ સારી બાબત છે. જે સામાન્ય નાગરિકોનો કશો જ વોઇસ નહોતો તેમને જાણે હાથમાં માઇક્રોફોન મળ્યું છે. પરંતુ વધુ સ્વતંત્ર બનવાને બદલે આપણામાંથી ઘણાં લોકો વધુ સ્વચ્છંદ બની ગયા. બેશક, દેશનો મોટાભાગનો વર્ગ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ આનંદ માટે અને પોઝિટિવ કાર્યો માટે જ કરે છે. પરંતુ વિકારો ઠાલવતો એક નાનો વર્ગ આવા માધ્યમોને પોતાની હરકતો થકી સતત બદનામ કરે છે. આ વર્ગ સુધરી જાય તો આવા ઉપકારક માધ્યમો પરની કાળી ટીલી પણ દૂર થઈ જાય.