નીટ પેપર લીક કૌભાંડમાં મોટી આંતરરાષ્ટ્રીય ગેંગ સામેલ હોવાની સીબીઆઈને આશંકા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નીટ પેપર લીક કૌભાંડમાં તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ એ જૂના અપરાધીઓની કુંડળી પણ ફંફોળશે, જેમનો આ પ્રકારના અપરાધોમાં સામેલ હોવાનો ઈતિહાસ રચ્યો છે.
- Advertisement -
આ ઉપરાંત પેપર લીક કરાવવામાં આંતરરાષ્ટ્રીય ગેંગ સામેલ હોવાની સંભાવનાનો પણ ઈન્કાર ન કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ પોતાના કેસને પુરી રીતે ખુલ્લો રાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ,સીબીઆઈ માત્ર બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખાની તપાસને જ આધાર માનવાને બદલે પુરા કેસની વિસ્તૃત તપાસ કરશે. અનેક રાજયોમાં આ મામલે ધરપકડને ધ્યાનમાં રાખતા એ જોવામાં આવશે કે શું તેમનો પરસ્પર કોઈ સંબંધ છે. લિંકના આધારે નવી કડીઓ ફંફોળવામાં આવશે.
ઉચ્ચ સ્તરના સૂત્રોનું કહેવું છે કે, પેપર લીકમાં આંતરિક વ્યવસ્થા અને પરીક્ષા તંત્ર સાથે સંકળાયેલા લોકોના સામેલ થવાને લઈને જેટલા પણ સવાલ છે, તે બધાના ઉતર તપાસ દરમિયાન મળી શકે તેના માટે અનેક સ્તરેથી ઈનપુટ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
સીબીઆઈની એક ટીમ ગુજરાતના ગોધરા પહોંચી ચૂકી છે અને ટીમ કેસના તપાસ અધિકારીને મળીને પુરી ડિટેલ્સ લેવામાં લાગી ગઈ છે. સૂત્રો અનુસાર સીબીઆઈની પુરી તપાસ પરીક્ષાના પેપર બનાવવા, તેનું પ્રિન્ટીંગ તેને દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશન અને પરીક્ષા કેન્દ્રમાં પેપર વિતરણની પ્રક્રિયા વચ્ચે કયા કયા સ્થળો પર આપરાધિક પોલ રહી ગઈ છે તેને શોધવા પર કેન્દ્રીત છે. 1000 નામ નંબરો ડેટાની તપાસ: સીબીઆઈ પોતાની પાસે અગાઉથી જ મોજૂદ લગભગ 1000 નામ અને નંબરોનો ડેટા ફંફોશી રહી છે, જે સીબીઆઈએ અગાઉના વર્ષોમાં વ્યાપમ સહિત પેપર લીકના ડઝનબંધ કેસની તપાસ દરમિયાન બનાવાયા હતા.