જૂનાગઢ જિલ્લા પંચાયત ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ડિસેમ્બરમાં ચૂંટણીની જાહેરાત સંભવ
તાલુકા પંચાયતની 158 પૈકી 79 બેઠકો પણ મહિલા અનામતના ફાળે 30માંથી 18 બેઠકો સામાન્ય, ત્રણ એસસી એક એસ.ટી અને 8 બક્ષીપંચ માટે જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ચૂંટણી પંચ દ્વારા પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે તાલુકા વાઈઝ કેટેગરી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 30 માંથી18 બેઠકો સામાન્ય, ત્રણ એસસી એક એસ.ટી અને 8 બક્ષીપંચ માટે જાહેર કરવામાં આવી છે.જેમાંથી સામાન્યની 18 પૈકી 9 બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે બક્ષીપંચની આઠમાંથી ચાર અને એસસીની ત્રણ માંથી બે બેઠક મહિલા અનામત માટે રાખવામાં આવી છે.
ડિસેમ્બરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થાય તે પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે રોસ્ટર પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે અગાઉ કેટેગરી જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણી આયોગ દ્વારા તાલુકાના ગામ પ્રમાણે બેઠકોની અનામત, બક્ષીપંચ સહિતની અન્ય કેટેગરીની ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ માળીયાહાટીના તાલુકામાં પાંચ, કેશોદ માંગરોળ અને જૂનાગઢ ગ્રામ્યમાં 4-4, વંથલી, વિસાવદર અને માણાવદર પંથકમાં 3-3 તથા મેંદરડા અને ભેસાણ તાલુકામાં 2-2 બેઠક સહિત કુલ 30 ગામોની કેટેગરી જાહેર કરવામાં આવી છે. જે પૈકી માણાવદર ના સરદારગઢ અને વંથલીના શાપુર અનુસૂચિત જાતિમાં જયારે જૂનાગઢ તાલુકાના વડાલ બેઠક અનુસૂચિત જાતિને ફાળવવામાં આવી છે.
બાલાગામ, ધંધુસર, ડુંગરપુર, ગડુ, જુથળ, કાલસારી, કણઝા, કોયલાણા, આઠ બેઠક બક્ષીપંચ કેટેગરીને ફાળવવામાં આવી છે.એસટી કેટેગરીમાં એક માત્ર મકતુપુર બેઠક ફાળવવામાં આવી છે. જિલ્લા પંચાયતની ગામ વાઈઝ કેટેગરી બેઠક જાહેર થતાં રાજકીય પક્ષો દ્વારા ચોગઠા ગોઠવવાના શરુ થશે. એસઆઇઆર પ્રક્રિયા પણ ચાર ડિસેમ્બરના પૂર્ણ થશે ત્યારબાદ હંગામી મતદાર યાદી સાત ડિસેમ્બરના પ્રસિદ્ધ થશે. જેથી પંચાયત બેઠકોની કેટેગરી જાહેર થતાં સંભવત આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.
સામાન્ય સ્ત્રી કેટેગરી ધરાવતા ગામો
જિલ્લા પંચાયત 30 બેઠકો માટે કેશોદ તાલુકાના અગતરાય, માળીયાહાટીના તાલુકાના અમરાપુર, જૂનાગઢ ગ્રામ્યના બીલખા, માળીયાહાટીના તાલુકાના કુકસવાડા, માણાવદરના મટીયાણા, માંગરોળના મેખડી, મેંદરડા, અને વિસાવદરના સરસઈ એમ આઠ તાલુકામાં સામાન્ય સ્ત્રી બેઠક રહેશે.
- Advertisement -
તાલુકા પંચાયતની 79 બેઠકો મહિલા અનામતના ફાળે
જૂનાગઢ જિલ્લાની નવ તાલુકાની 158 બેઠકો પૈકી 79 બેઠક મહિલા અનામત રહેશે. જેમાંથી સૌથી વધુ 46 સામાન્ય, 22 બક્ષીપંચ, 9 એસસી અને બે એસટી કેટેગરી જાહેર કરવામાં આવેલ છે. સૌથી વધુ સામાન્ય અનામતને જાહેર કરવામાં આવી જે પૈકી જેમાં માળીયાહાટીના અને વિસાવદરમાં 6-6, માણાવદરમાં ચાર અને અન્ય તાલુકાઓમાં પાંચ બેઠક સામાન્ય મહિલા અનામત રાખવામાં આવી છે.
બિન અનામત સામાન્ય બેઠક ધરાવતા ગામો
ગ્રામ્ય વિસ્તારોમાં અજાબ, ભેસાણ, મજેવડી, માળીયાહાટીના, માંગરોળ ઓજી, મેસવાણ, મોટી મોણપરી, શીલ, સાસણ સહિત નવ ગામોમા બિન અનામત સામાન્ય સીટ રહેશે.



