રાજકોટમાં ઝુલેલાલ ભગવાનના 1076મા અવતરણ દિવસની ઉજવણી
ઝુલેલાલ ઘાટ બાલક મંડળી દ્વારા વિવિધ કાર્યક્રમ : સિંધી કોલોની સ્થિત ઝુલેલાલ મંદિરે કાર રેલીનું સમાપન થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઇ ઝુલેલાલ ભગવાનના 1076મા અવતરણ દિવસ નિમિતે રાજકોટ શહેરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 20ના શુક્રવારે ઝુલેલાલ ઘાટ લાલપરી ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઝુલેલાલ ઘાટ બાલક મંડળી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન સવારે 8થી 10 વાગ્યા સુધી સત્સંગ, કિર્તન, પંજડા, અખા પલવ તથા મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાથે જ ઝુલેલાલ સાહેબનું ભહેરાણું સ્થાપન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવશે. ત્યારબાદ સવારે 10થી 11 વાગ્યા દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ બપોરે 12 વાગ્યે યોજાનારી સાઇલેન્ટ કાર રેલી રહેશે. આ રેલી ઝુલેલાલ ઘાટ લાલપરીથી પ્રસ્થાન કરીને પ્રધ્યુમન પાર્ક, સંતકબીર રોડ, પાંજરાપોળ રોડ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ઓવરબ્રિજ, જામટાવર અને જંકશન પ્લોટ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે સિંધી કોલોની સ્થિત ઝુલેલાલ મંદિરે સમાપન પામશે. આ કાર રેલીમાં આશરે 50થી વધુ કાર જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું સ્થળ પ્રદ્યુમન પાર્ક નજીક લાખેશ્વર મહાદેવના ગેટ પાસે આવેલ ઝુલેલાલ લાલપરી રાખવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કિશોરભાઇ આસાણી, હિંકતભાઇ કિશનાણી, અમીતભાઇ પ્રીતમાણી, લોકુભાઇ દેસાણી સહિતના અગ્રણીઓ તથા સેવાભાવી કાર્યકરો સક્રિય રીતે જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીને લઈને સિંધી સમાજ સહિતના નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
જંકશન પ્લોટમાં સવારે મહાઆરતી, સંતવાણી, રાસ ગરબા, આતશબાજી
- Advertisement -
શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાઈના જન્મોત્સવ ‘ચેટીચંડ મહોત્સવ’ની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી આગામી તા. 20ના શુક્રવારે યોજાનાર છે. સિંધી સમાજ સેવા સમિતિ અને સિંધુવંશી ગ્રુપ દ્વારા સતત 47મા વર્ષે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ સમાજમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે 4 વાગ્યે પંચામૃત અભિષેકથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થશે. ત્યારબાદ સંતગણ અને ટ્રસ્ટીઓના હસ્તે મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની શક્યતા છે. સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો માટે બહેરાણા સાહેબ અને જ્યોત દર્શન ખુલ્લું રહેશે, જેથી ભક્તિમય વાતાવરણ સર્જાશે. સાંજે 9.30 વાગ્યે જ્યોત પ્રાગટ્ય વિધિ બાબા તહેલીયારામ દરબાર સાહેબના સંત સુખદેવલાલજીના વરદહસ્તે સંપન્ન થશે, જે મહોત્સવનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે સંતવાણી કાર્યક્રમ તેમજ સેવાધારીઓ અને વિવિધ સંસ્થાઓના મહેમાનોનો સ્વાગત સમારંભ યોજાશે. આ પ્રસંગે રાસ-ગરબા અને આતશબાજી જેવા રંગારંગ કાર્યક્રમો પણ યોજાશે, જે મહોત્સવમાં ઉમંગ અને આનંદનો માહોલ ઊભો કરશે. મધ્યરાત્રિએ 12 વાગ્યે લાલપરી ખાતે જ્યોત વિસર્જન સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ-બહેનો પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સહપરિવાર દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સિંધી સમાજ સેવા સમિતિના ચેરમેન દિલીપ આસવાણી (પૂર્વ કોર્પોરેટર) સહિતની ટીમ સક્રિય રીતે તૈયારીમાં લાગી ગઈ છે.



