– પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડ્યો.
અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ BMW કારના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યા બાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે 3 કારને અડફેટે લતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે.
- Advertisement -
પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને મારી ટક્કર
મળતી માહિતી અનુસાર, અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી હતી. હેરિયર કારના ચાલકે ત્રણ કારને અડફેટે લેતા બે કારને ભારે તો એક કારને સામાન્ય નુકસાન થયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જીને કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એક મહિલાને સામાન્ય ઇજા થઈ છે.
જાણ થતાં દોડી આવી પોલીસ
અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ભરચક વિસ્તારમાં જ ઝડપી ગતિથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો હતો.
ફરાર કારચાલકને ઝડપી પાડ્યો
‘GJ 38 BE 9113’ નંબરની કારે અકસ્માત કર્યો જે મનોજ અગ્રવાલના નામે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ કારને શોધી લીધી હતી. જ્યારે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની પોલીસ શોધખોળ કરી હતી. જે બાદ તેને પોલીસે ઝડપી પાડ્યો હતો.
- Advertisement -
માણેકબાગ નજીક સર્જાયો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કાર હંકારીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસ દ્વારા કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી.