રાજકોટ બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
તમામ ઉમેદવારોએ 12:39 કલાકે એકસાથે ફોર્મ ભરી જીતનો દાવો કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિયેશન (છઇઅ)ની વર્ષ 2025-26ની તા. 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ના લીગલ સેલ સમર્થિત લીગલ સેલ સમરસ પેનલ દ્વારા આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. નવી કોર્ટ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ઉમેદવારો તથા સિનિયર-જુનિયર ધારાશાસ્ત્રીઓ ભવ્ય રેલી સ્વરૂપે એકઠા થયા હતા. પેનલના માર્ગદર્શક સિનિયર વકીલોની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારો એક સાથે ઉમેદવારી નોંધાવવા પહોચ્યા હતા. સમરસ પેનલના સમર્થનમાં ઉમટી પડેલા 700થી વધુ ધારાશાસ્ત્રીઓની હાજરીએ જીતનો દાવો વધુ મજબૂત કર્યો હતો. ઉમેદવારોમાં પ્રમુખ પદે સુરેશભાઈ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મહેતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદીપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા અને લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી ઉપરાંત કારોબારી સભ્યો અને મહિલા અનામત પદ માટે પણ પેનલના ઉમેદવારો દ્વારા નામંકન દાખલ કરવામાં આવ્યાં હતા. આજે ઉમેદવારી નોંધાવતા પ્રસંગે સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્ટ, રામજીભાઈ માવાણી, રંજનબેન રાણા, લતાબેન જોષી સહિત અનેક પ્રખ્યાત વકીલો હાજર રહી પેનલને શુભકામનાઓ પાઠવી હતી.
રાજકોટ બાર એસોસિએશનની આગામી 2025-26ની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથો આમને-સામને મેદાને ઉતરતા સ્પર્ધા એકદમ ગરમાઈ ગઈ છે. એક તરફ છઇઅ પેનલ છે, જ્યારે બીજી તરફ ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ છે, જેને કારણે બાર એસોસિએશનમાં વર્ચસ્વની લડાઈ હવે વધુ તીવ્ર બની છે. સમરસ પેનલ દ્વારા આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેના પગલે હવે ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેવા સ્પષ્ટ એંધાણ છે.
ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાં પ્રમુખ પદના દાવેદાર તરીકે સુરેશ ફળદુને ઉતારવામાં આવ્યા છે. સુરેશ ફળદુએ ઉમેદવારી કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સત્તા માટેની નહીં, પરંતુ વકીલોના આત્મસન્માનની લડાઈ છે. તેમણે બાર એસોસિએશનના સભ્યો સામેના અનેક પડકારજનક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેને તેમની પેનલ પ્રાથમિકતા આપશે. તેમણે જણાવેલા મુખ્ય પડકારજનક પ્રશ્ર્નોમાં વકીલો માટે અઝખ, પોસ્ટ ઓફિસ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ અને વકીલ ભવન માટે ફાળવેલી 5 એકર જમીનનો પ્રશ્ર્ન અગ્રસ્થાને છે. આ ઉપરાંત, વકીલોને તેમના કાર્યક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓ, વિવિધ કચેરીઓ અને પોલીસ સાથેના ઘર્ષણના પ્રશ્નો, તેમજ જુનિયર વકીલોમાં કાયદાકીય જાગૃતિ લાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. સુરેશ ફળદુએ ખાસ રાજકોટ બાર એસોસિએશનમાં તાજેતરમાં વકીલ સંદીપ વેકરિયા સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાને લઈને સિનિયર અને જુનિયર સહિત તમામ વકીલ મિત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને આ જ કારણોસર તેમની પેનલ વકીલોના આત્મસન્માન અને હિતોની સુરક્ષા માટે આ ચૂંટણી લડી રહી છે. વકીલોમાં ચાલી રહેલી નારાજગી ને દૂર કરવા તમામ વકીલો એકજૂથ થઈ સમરસ પેનલની તરફેણમાં મતદાન કરશે તેવો તેમને 100% વિશ્વાસ છે. ફળદુએ સંદીપ વેકરિયાના સભ્યપદ રદ થવા અંગે પણ આક્ષેપ કર્યો હતો કે, જે એજન્ડા નહોતો તે એજન્ડા વગર તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, જે પૂરતું નહોતું. વેકરિયા ન્યાય મેળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગયા હતા. આ પ્રશ્ન ખૂબ સેન્સિટીવ હોવાથી અને તાત્કાલિક નિરાકરણ લાવવાની જરૂરિયાત હોવાથી, બાર કાઉન્સિલના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોએ પ્રશ્નની ગંભીરતા સમજીને તાત્કાલિક એક જ દિવસની અંદર તેમનું સભ્યપદ કાયમ કરી આપ્યું હતું, જેથી તેઓ ચૂંટણી લડી શકે. આ નિર્ણયને લીધે સંદીપ વેકરિયાને થયેલા અન્યાયનો અંત આવ્યો છે.
બીજી તરફ, છઇઅ પેનલમાં પ્રમુખ પદના દાવેદાર તરીકે સુમિત વોરા મેદાનમાં ઉતર્યા છે. સુમિત વોરા અને તેમની પેનલ પણ વકીલોના હિતોના રક્ષણ અને બાર એસો.માં સુધારા લાવવાના વચનો સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. બંને પેનલો પોતપોતાના ઉમેદવારોની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકોટ બાર એસો. માં બે જૂથો વચ્ચેની સીધી ટક્કરને કારણે ચૂંટણીનું વાતાવરણ અત્યંત રસાકસીભર્યું બની ગયું છે. વકીલોના મતાધિકારથી હવે એ નક્કી થશે કે આગામી સમયમાં બાર એસોસિએશનનું નેતૃત્વ કયું જૂથ સંભાળશે.



