ઓર્ડર ઓર્ડર. લાકડાંના હથોડા હેઠે ન્યાયનો કૂચ્ચો થઈ ગયો છે. અને ખબરદાર, કોઈએ હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો છે તો. કશું જોયું, સાંભળ્યું કે બોલ્યા તો કોર્ટનો અનાદર ગણાશે. જજ સાહેબનાં દિમાગમાં જે વિચાર આવે એવો ચૂકાદો તેઓ આપે. પૂણેમાં એક ધનાઢ્ય પરિવારના ટીનેજર – સગીર છોકરાએ નશામાં ધૂત થઈ પોતાની લક્ઝરી કાર પોર્શે બંબાટ ચલાવી. તેણે બે નિર્દોષ લોકોનાં પ્રાણ લઈ લીધાં. છોકરાના પરિવારે તેને બચાવવા અનેક કાવાદાવા કર્યાં. છેવટે પોલીસમાં તેને હાજર કરવો પડ્યો. બાબાની ઉંમર 17 વર્ષ અને 8 મહિના હતી, તેથી તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયો. જજ સાયેબ કોઈ અલગ જ મૂડમાં હતાં. તેમણે આરોપીને કારમી, કાળા પાણીની કરતા પણ કઠોર એવી સજા ફરમાવી: ટ્રાફિક સેન્સ પર 300 શબ્દોનો નિબંધ લખવાની!
જ્યુડિશિયરી વિશે આપણે ત્યાં ખૂલીને બોલી શકાતું નથી. જો બોલી શકાતું હોય તો એમને પણ એટલાં તીરનો સામનો કરવો પડે જેટલાં રાજકારણીઓ પર અને બ્યૂરોક્રસી કે મીડિયા પર છોડાય છે. સામાન્ય રીતે રાજકારણીઓ જજ્ સાહેબોના ચૂકાદાઓની ટીકા-ટિપ્પણી નથી કરતાં. પરંતુ આ મુદ્દે દેશમાં એટલો વિવાદ થયો છે, એટલી ચર્ચાઓ ચાલી છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ પણ નિવેદન આપવું પડ્યું છે, યોગ્ય કરવાની ખાતરી આપવી પડી છે. આ ઘટનાએ ફરી એક વખત પુરવાર કર્યું છે કે, જ્યારે પૈસો બોલે છે ત્યારે બધાં જ અવાજો દબાઈ જાય છે. પૂણેનો આ બાપકમાઈનો બાબુડો એક અત્યંત ધનવાન પરિવારનો વંઠેલ દીકરો છે. જે ગાડીમાં દોઢસો કિલોમીટરની સ્પીડે તેણે બે હત્યાઓ કરી તે પોર્શે કારની કિંમત બે કરોડ રૂપિયા આસપાસ છે. ગાડીનું રજિસ્ટ્રેશન નહોતું, અકસ્માત સર્જનાર સગીર વયનો હતો, એ નશાની હાલતમાં હતો. દારૂનો એ બંધાણી છે. આટઆટલી વિગતો હોવા છતાં તેની સામે પૂણે પોલીસે ઢીલોઢફ્ફ કેઈસ બનાવ્યો. કોર્ટે તેને બનાવના પંદર કલાકની અંદર જામીન આપી દીધાં. આપણી ગાડી નો પાર્કિંગમાં પડી હોય તો ટૉ થઈ જાય છે.
- Advertisement -
ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરો તો ફરજમાં રૂકાવટની એફ.આઈ.આર. નોંધાઈ જાય છે. પૂણેના આ ટીનેજરને જે પ્રકારની સજા થઈ છે તે જોતાં હવે નિતનવાં ચૂકાદાઓ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. દાઉદ ઈબ્રાહીમ જો સરન્ડર કરે તો તેને ‘આતંકવાદથી સર્જાતી સમસ્યાઓ’ પર 300 શબ્દોનો નિબંધ લખાવાશે, પંદર દિવસ ક્રાઈમ બ્રાન્ચને લીંબુ સરબત પીવડાવવાની શરતે તેને જામીન મળી જશે. લલિત મોદી ભારત પરત આવશે તો આર્થિક બાબતોમાં નીતિમત્તા પર નિબંધ લખાવાશે. સોશિયલ મીડિયાનાં જમાનામાં આજકાલ જ્યુડિશિયરી પર પણ અગણિત સવાલો ઉઠી રહ્યાં છે. સામાન્ય લોકોને તારીખ પર તારીખ મળે છે પરંતુ ત્રાસવાદીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ માટે રાત્રે ત્રણ વાગ્યે પણ અહીં કોર્ટ ખોલાવી શકાય છે અને જજ્ સાહેબો રાત્રીનાં ત્રીજા-ચોથાં પ્રહરમાં નાહી-ધોઈને હાજર પણ થઈ જાય છે. આ બધું નિહાળીને બે-ત્રણ દાયકાથી કોર્ટના ધક્કા ખાતાં સામાન્યજનનું હૃદય ચીરાઈ જાય છે.
શું કાનૂન બધાં માટે એક સમાન નથી? ત્યાં પણ શું વીઆઈપી ટિકિટ વગેરે જેવી વ્યવસ્થા છે? આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે સ્પેશિયલ કેઈસ તરીકે જામીન મળ્યાં. કેટલાંય આરોપીઓને ઘેર લગ્ન પ્રસંગ કે મરણ હોય તો પણ ઘણી વખત મળતાં નથી. દેશનાં ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ટેલીવિઝન પર આ ચૂકાદા અંગે કહ્યું કે, ‘દેશમાં ઘણાં લોકોને આ જજમેન્ટ ગળે ઉતર્યું નથી!’ પત્રકારે પૂછયું કે, ‘આવા કારણસર જામીન શા માટે અપાયા?’ અમિતભાઈએ કહ્યું, ‘એ તો તમે જામીન આપનાર જજ્ને પૂછો!’ સામાન્ય રીતે આ કક્ષાએ બેઠેલી વ્યક્તિ જાહેરમાં આવું બોલતી નથી. પણ, બોલવું જ પડે તેમ હોય તો જ આવું નિવેદન તેમણે આપ્યું હોય. એમ તો અમે પણ આ મુદ્દે ઝાઝું લખતાં નથી. પણ, લખવું અનિવાર્ય લાગે ત્યારે શું કરવું? લખવું.