સુનકે ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા ગ્રૂપ બનાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતવંશી કાર્ડ પર મોટો રાજકીય દાવ લગાવ્યો છે. તેમના પક્ષે લગભગ એક વર્ષ પછી યોજાનારી ચૂંટણીમાં ભારતીયના મતો અંકે કરવા માટે ક્ધઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા (સીએફઆઇ) ગ્રૂપ બનાવ્યું છે. ભારતીય સાથે સીધો સંવાદ જાળવી રાખવા અને સમસ્યાઓ દૂર કરવા માટે સુનકે અત્યાર સુધીમાં સીએફઆઇની 12 સભા પણ કરી લીધી છે. ચૂંટણી સુધીમાં 100થી વધુ સભા યોજવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 20 લાખ ભારતીય મતને ધ્યાનમાં રાખીને પહેલી વાર હિન્દીમાં કેમ્પેઇન સોંગ બનાવાયું છે, જેને ભારતીય મૂળની બહુમતીવાળા વિસ્તારમાં સભા દરમિયાન વગાડાઈ રહ્યું છે.
પીએમ સુનકની ક્ધઝર્વેટિવ પાર્ટીના ભારતવંશી નેતા સુએલા બ્રેવરમેન, શૈલેશ વારા, પ્રીતિ પટેલ, આલોક શર્મા અને ગગન મોહિન્દર પણ કેમ્પેઇનમાં જોતરાયાં છે. સુનકે સૌ નેતાઓને ભારતીય સમાજ સાથે સીધો સંવાદ કરવાનો નિર્દેશ આપ્યો છે. પક્ષના નેતા ઘેરઘેર જઈ રહ્યા છે. સીએફઆઇનાં સહઅધ્યક્ષા રીના રેન્જરનું કહેવું છે કે ભારતીયોની સમસ્યાઓના ઉકેલ માટે સત્તારૂૂઢ ક્ધઝર્વેટિવ પાર્ટી વતીથી કરાયેલી પહેલને આવકાર મળી રહ્યો છે. ક્ધઝર્વેટિવ પાર્ટીની રણનીતિ વિપક્ષી લેબર પાર્ટી તરફ જતા મતો રોકવાની છે. કાર્નેગીના તાજેતરના સરવે પ્રમાણે હાલમાં લેબર પાર્ટીને ભારતીય સમાજના 10 ટકા મત મળે છે. પરંતુ આ સરવે પ્રમાણે 15 ટકા ભારતીયોએ કયા પક્ષને મત આપવો તે અંગે હજી વિચાર કર્યો નથી. સુનકની નજર આ જ 15% અનિર્ણિત મતો પર છે.