કાયદો? એ શું ? અરે..છોડો એ અમને ન લાગુ પડે : ધાર્મિક યાત્રાઓ સામે કડક બનતી પોલીસ ભાજપ યાત્રાને અટકાવી શકશે?

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલ વોલ્વો બસમાં બિરાજમાન થઈને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.20મી તારીખે સાંજે 4 વાગ્યે તેઓ રાજકોટમાં પ્રવેશ કરશે.એ પ્રસંગે ગોંડલ રોડ ચોકડીએ એમનું ભવ્ય સ્વાગત કરવા સાથે જ હજારો કાર્યકરોની જંગી બાઇક રેલીનું શહેર ભાજપ દ્વારા આયોજન વિચારાઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.આ ચર્ચાને પગલે એવો સવાલ ઉઠી રહ્યો છે કે કોરોનાને કારણે લગ્ન અને મૃત્યુ જેવા પ્રસંગોએ પણ 50 લોકોથી વધુ એકત્ર થવાની મનાઈ છે,144મી કલમ અમલમાં છે,ધાર્મિક કાર્યક્રમોને પણ મંજૂરી નથી મળતી ત્યારે શું આ સંભવિત રેલીને પોલીસ કમિશનર મંજૂરી આપશે?શું ભાજપ રેલીની મંજૂરી માંગશે કે પછી વગર મંજૂરીએ જ કાર્યક્રમો કરી નાખશે એવા સવાલ ઉઠવા લાગ્યા છે.

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ ભાજપની સુચનને અનુસરી રાજકોટ શહેર ભાજપના નેતાઓ પાટીલના આગમનને યાદગાર પ્રસંગ બનાવવા માટે આયોજન ઘડી રહ્યા છે.સુત્રોનું સાચું માનીએ તો દરેક વોર્ડના નગરસેવકોને વોર્ડ દીઠ 50 બાઈકસવાર કાર્યકરો ભેગા કરવાનો ટારગેટ અપાયો છે.એ ઉપરાંત સંગઠનના હોદેદારોને પણ અલગ અલગ ટારગેટ અપાયા છે.પાંચ હજાર બાઇકની ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવાના અયોજનને એકાદ દિવસમાં જ આખરી ઓપ અપાશે તેવું જાણવા મળે છે.
આ આયોજનને પગલે કાયદા કાનૂનમાં માનતા ભાજપના જ એક નાનકડા વર્ગમાં કચવાટની લાગણી ફેલાઇ છે.અત્યારે કોરોનાને કારણે લોકોના એકત્ર થવા પર અનેક પ્રકારના પ્રતિબંધ અમલમાં છે.એ કાયદો મંદીરોને પણ લાગુ પડે છે.પોલીસે ઉત્સવો પણ યોજવા દીધા ન હતા.આજી અને ન્યારી ડેમના રસ્તે પોલીસે બેરીકેડ ગોઠવી દીધી હતી.ભાજપ સિવાયના બીજા એક પણ પક્ષને કોરોના પ્રોટોકોલના નામે એક પણ પ્રકારના કાર્યક્રમની મંજૂરી નથી આપતી.અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રા પણ રદ કરવી પડી હતી.ત્યાં સુધી કે 15મી ઓગસ્ટના પર્વની સરકારી ઉજવણીમાં પણ કોરોના સંબંધિત પ્રતિબંધોનું પાલન કરાયું હતું.
આ સંજોગોમાં પોલીસ તંત્ર આ રેલીને મંજૂરી આપશે કે કેમ તે તરફ સહુની મીટ મંડાઈ છે.
ભાજપના જ કેટલાક પીઢ કાર્યકરો આવા નિરર્થક તમાશાથી નારાજ છે.શાસક પક્ષ હોવાને નાતે ભાજપ અને તેના પ્રમુખેતો ઉલ્ટાના આવી કોઈ રેલી કે સામૂહિક મેળાવડા ન કરીને દાખલો બેસાડવો જોઈએ.કાયદા પાલન પ્રત્યે પ્રતિબધ્ધતા દાખવી ઉદાહરણ સ્થાપવું જોઈએ તેને બદલે જો આ રેલી યોજાશે તો લોકોમાં ખોટો મેસેજ જશે અને પોલીસતંત્રની આબરૂના લીરા ઉડશે એવો મત વ્યક્ત થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલના સુરતમાં આગમન સમયે ત્યાં પણ આવી રેલીનું આયોજન થયું હતું.પણ જબરો વિવાદ થયા બાદ “ઉપર”ના આદેશને માન આપી છેલ્લી મિનિટે રેલી કેન્સલ કરવી પડી હતી.રાજકોટમાં હવે શું થશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.