હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાને લઇને આઠ બેડનું અતિઅદ્યતન ઈન્ટેસીવ કેર યુનીટ તૈયાર કરી તા.2 ફેબ્રુઆરીના હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ ખાતે હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાને લઇને આઠ બેડનું અતિઅદ્યતન ઈન્ટેસીવ કેર યુનીટ તૈયાર કરી તા. 2 ફેબ્રુઆરીના હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું, જેનો લોકાર્પણ સમારોહ આર્ષ વિદ્યા મંદિર, મુંજકાના પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતી સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પૂ. પરમાત્માનંદ સરસ્વતી અને પૂ. અક્ષરજી મહારાજના વરદહસ્તે આઈ.સી.યુ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન પાસ્ટ પ્રેસિડેન્ટ રો. નિલેશ ભોજાણીએ કર્યું. ત્યાર બાદ રો. સરજુભાઈ પટેલે આઈ.સી.યુ. પ્રોજેક્ટ માટે રોટરી ફાઉન્ડેશન દ્વારા કેવી રીતે ગ્લોબલ ગ્રાન્ટ આપવામાં આવે છે તેની વિગતવાર સમજણ આપી હતી. રો. અમિત રાજાએ આઈ.સી.યુ. સેન્ટર તૈયાર કરવા માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનો રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરવતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રોજેક્ટના ડોનર અને રોટરી ડીસ્ટ્રીકટ 3060ના ભૂતપૂર્વ ગવર્નર રો. પરાગ શેઠે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટના ટ્રસ્ટી જયંતીભાઈ ફલ્દુએ હોસ્પિટલ ખાતે આધુનિક ઈન્ટેસીવ કેર યુનીટ તૈયાર કરી આપવા બદલ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ આઈ.સી.યુ. કીડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને દર્દીઓની વધુ સારી રીતે સારવાર થઈ શકશે. કૃષ્ણાશ્રય હવેલીના પૂ. અક્ષરજી મહારાજે પોતાના આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવે છે જે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.
આર્ષ વિદ્યા મંદિર મુંજકાના પૂ. પરમાત્માનંદ સરસ્વતીએ આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આઈ.સી.યુ. સેન્ટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉત્તમ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. આ કાર્યક્રમમાં પાસ્ટ રોટરી ગવર્નર્સ રો. નિહીર દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ પ્રોજેક્ટના મુખ્ય દાતા રોલેક્સ રીંગના મનેશભાઈ માદેકા ઉપરાંત સહાયક દાતાઓ, અક્ષરજી મહારાજ કૃષ્ણાશ્રય હવેલી, નીતિનભાઈ જોશી ઓમની ટેક, પ્રભુદાસભાઇ શિલ્પા જ્વેલર્સ, ભીખુભાઈ વિરાણી બાલાજી વેફર્સ, પીડીજી પરાગ શેઠ વગેરેએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
- Advertisement -
કીડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે તથા કીડનીની બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશરે 1.21 કરોડના ખર્ચે આ અદ્યતન ઈન્ટેસીવ કેર યુનીટના નિર્માણ માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર અને રોટરી કલબ ઓફ કેરી કિલડેર યુએસએ દ્વારા રોટરી ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ આઈ.સી.યુ. તૈયાર કરવા માટે રાજકોટ શહેરના ઉદાર દિલ દાતાઓનો પણ ઉમદા સહયોગ પ્રાપ્ત થયો છે.
કલબ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં અનેક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આશરે 15 વર્ષ પહેલાં કેન્સરના દર્દીઓનું યોગ્ય નિદાન કરી શકાય તે માટે રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે પહેલું મેમોગ્રાફી મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા નિયમિતપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સ્ત્રીઓને લગતી બીમારી અને માસિક ઋતુચક્રને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે જાણીતા ગાયનેકોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના સેમિનારનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર વતી રોટેરીયન અમિત રાજા, સરજુ પટેલ, મનિષ પટેલ, નિલેશ ભોજાણી, જયદેવ શાહ, પરેશ કાલાવડીયા, સુનીલ અંબાસણા, યશ રાઠોડ, ભાવેશ વેગડા, દર્શન લાખાણી, મેહુલ નથવાણી, ભાવેશ મહેતા, અનુપ જોશી, રાજેશ પરસાણા અને કરણ શાહ સહિતના કલબ મેમ્બર્સે આ પ્રોજેક્ટની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી છે એમ પ્રેસિડેન્ટ રો.જયદીપ વાઢેર અને સેક્રેટરી રો.આશિષ જોશીની યાદીમાં જણાવાયું છે.