મહેન્દ્ર ખિમાણી અને પુત્ર તેજસએ GSTનાં બોગસ બિલિંગમાં કરોડો રૂપિયા બનાવ્યાનો આક્ષેપ
‘ખાસ-ખબર’ કાર્યાલય પર આવીને સમીર તન્નાએ બાપ-દીકરાનાં કરતૂતોની ફાઈલ સુપરત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના એક બાપ-દીકરા તેજસ મહેન્દ્ર ખીમાણી અને મહેન્દ્ર મણીલાલ ખીમાણીની જોડીએ જીએસટી સહિતના કાંડ કરી કરોડો રૂપિયાના ફૂલેકા ફેરવ્યા હોવાની વાત સમીર તન્નાએ કરી છે. સમીર તન્નાએ ખાસ-ખબરને જણાવ્યું છે કે, તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણીએ અબજોનું જીએસટી કૌભાંડ આચર્યું છે. આ સિવાય તેમની પર અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેઓ માતેલા સાંઢની જેમ બજારમાં રખડી સામાન્ય માણસને શિકાર બનાવી રહ્યા છે.
તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણીની ગુનાઈત કુંડળી પુરાવાસહ ખોલતા સમીર તન્નાએ કહ્યું છે કે, નાના માણસો પાસેથી મહિને 10-15 હજાર રૂપિયામાં ભાડે બેંક એકાઉન્ટ લઈ તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણી મોટાપાયે આર્થિક કૌભાંડ આચરી રહ્યા છે. લખનઉ-કાનપુરથી કરોડો રૂપિયા ભાડે રાખેલા બેંક એકાઉન્ટમાં આવી રહ્યા છે અને કલ્પના બહારની જીએસટી ચોરી થઈ રહી છે. આશરે 3 હજાર કરોડનું જીએસટી કૌભાંડ આચરી બાપ-દીકરાની આ બેલડીએ અમદાવાદમાં ક્રિષ્ના જવેલર્સના નામે શો રૂમ ખોલ્યો છે વગેરે માહિતી આપી સમીર તન્નાએ તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણીની ગુનાઈત કુંડળીની વધુ કેટલીક સ્ફોટક વિગત આપી હતી જે હવે બહાર આવશે.
- Advertisement -
બાપ-દીકરા વિરુદ્ધ પોલીસમાં અનેક અરજીઓ, ગુનાઓ દાખલ
તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણી વિશે એવું કહેવાય છે કે, બાપ નંબરી છે તો બેટા દસ નંબરી છે. તેઓએ અનેક ગુનાઓ આચરેલાં હોય તેમની પર અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર અરજીઓ થતા પોલીસ ચોપડે ચઢી ચૂક્યા છે. તેમની વિરુદ્ધ ઘણા લોકોએ પોલીસમાં અરજી કરી છે. આ બાપ-દીકરાની જોડીએ પૈસાના જોરે પોતાના પર નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અને ધરપકડ પર સ્ટે લઈ લીધા છે. હાલમાં જ તેમની આર્થિક ગુનાખોરીનો ભોગ બનેલા એક રીક્ષા ચાલકને ઈડીએ નોટિસ ફટકારી હતી. કેટલાય લોકો પાસેથી ભાડે બેંક એકાઉન્ટ લઈ બાપ-દીકરાએ ફસાવી દીધા છે.
ખીમાણીના બે નંબરના રૂપિયા બિલ્ડરો ફેરવે છે?
ખીમાણી બાપ-દીકરાએ જીએસટી સહિતના આર્થિક કૌભાંડ કરી બનાવેલા બે નંબરના અબજો રૂપિયા હાલ બિલ્ડરો ફેરવી રહ્યા છે. અમુક મોટામોટા પ્રોજેક્ટમાં તેજસ ખીમાણી અને મહેન્દ્ર ખીમાણીના કરોડો રૂપિયા રોકાયેલા હોવાનું કહેવાય છે. આ દિશામાં જો તટસ્થ પોલીસ તપાસ થાય તો ખીમાણી બાપ-દીકરાના કારણે કેટલાયના તપેલા ચઢી જાય તેમ છે.
તેજસ અને મહેન્દ્રએ સમીર તન્નાનું અપહરણ કરી ઢોર માર માર્યો
રાજકોટના જલારામ પ્લોટ-2માં આવેલ પ્રિતી બંગલોઝમાં તેજસ અને મહેન્દ્ર ખીમાણીએ સમીર તન્ના નામના ઓટો બ્રોકરને ફ્લેટનો દસ્તાવેજ કરી દેવાના બહાને બોલાવી અપહરણ કરી માર માર્યો હતો. આ સ્થળ પર બાપ-દીકરાએ રિમાન્ડ રૂમ બનાવ્યો છે જ્યાં તેઓ નિર્દોષ-ભોળા લોકો પર અત્યાચાર આચરે છે એવું સમીર તન્નાએ જણાવેલું છે.
2016ના કરિયાણા વેપારી બાપ-દીકરો 2025માં અબજોપતિ થઈ ગયા!
મહેન્દ્ર ખીમાણી અને તેનો દીકરો તેજસ ખીમાણી 2016માં કરિયાણાની દુકાન ચલાવતા હતા. ત્યારબાદ તેમણે અનેક આર્થિક ગુનાઓ આચરી શાપરમાં ફેક્ટરીથી લઈ પોશ વિસ્તારમાં બંગલા, ફ્લેટ ખરીદી લીધા છે. આ બાપ-દીકરા રાતોરાત વેપારીમાંથી અબજોપતિ બનતા તેમના આર્થિક ગુનાનો ભાંડો ફૂટ્યો છે.