ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભારે વરસાદને કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું. સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ 6 ફૂટ ઊંડા પાણીમાં ફસાઈ ગઈ. બસમાં સવાર 24થી વધુ લોકોને એક કલાક પછી બચાવી લેવામાં આવ્યા હોવાનું આ લખાય છે ત્યારે જાણવા મળી રહ્યું છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 9 દિવસમાં વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 46 લોકોના મોત થયા છે. જોકે, આમાંથી મોટાભાગના લોકોએ વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર થયેલા અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે.
- Advertisement -
યુપીમાં ચોમાસામાં ભારે વરસાદ પડી રહ્યો છે. લખનઉ, ફતેહપુર સહિત 5 શહેરોમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. નોઈડામાં એક કાર રસ્તાની બાજુના નાળામાં ઘૂસી ગઈ. ઇટાવામાં, સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ લગભગ 6 ફૂટ ઊંડા પાણીમાં ફસાઈ ગઈ. બસમાં સવાર 24થી વધુ લોકો લગભગ એક કલાક સુધી પાણીમાં ફસાયા.
વરસાદને કારણે હિમાચલમાં 208 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આમાં મંડી-ધરમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3નો સમાવેશ થાય છે જે પંજાબના અટારીને લદ્દાખના લેહ સાથે જોડે છે. આજે હિમાચલના સિરમૌર અને કાંગડામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.
દરમિયાન, સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં, છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે, દૂરના યુક્સોમ શહેરમાં લાકડાના બે પુલ તૂટી ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પૂર્વી ભાગોમાં ભારે વરસાદ પડશે. બંને રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી સહિત 22 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
- Advertisement -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઝારખંડના 6 જિલ્લામાં ભારે વરસાદ પડશે. પલામુ, ગઢવા, ચતરા, કોડરમા, લાતેહાર અને લોહરદગા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાંચીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
હરિયાણાના કુરુક્ષેત્રના શાહાબાદમાં માર્કંડા નાળું ઓવરફ્લો થયું છે. જેના કારણે કઠવા ગામમાં પાણી ઘુસી ગયું છે. વિસ્તારના રસ્તાઓ અને ખેતરોના પાક ડૂબી ગયા છે.
13 જુલાઈ સુધી ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જુલાઈ સુધી રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, જમ્મુ અને કાશ્ર્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને કેરળમાં ભારે વરસાદ પડશે.