ઉત્તરાખંડના ટિહરીના બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતાં ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. ગેંવાલી, તોલી, જખાણા, વિસન, તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
વીડિયોમાં કેદ થયા ભયાનક દૃશ્યો
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ વહી ગયા હતા, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે. બુઢાકેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતાં એક મા-દીકરી જીવતાં દટાઈ ગયા હતા. સમગ્ર ખીણ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઈ હતી.
હજુ તંત્રની ટીમ પહોંચી શકી નથી
સ્થિતિ એવી ભયાનક થઈ ગઈ છે કે તંત્રની ટીમ રેસ્ક્યુ કે સહાય પહોંચાડવા માટે ત્યાં સુધી પહોંચી શકી નથી. આભ ફાટવાની ઘટનાને કારણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. આ વિસ્તારના અનેક ભાગોમાં પીવાના પાણી તથા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તંત્રએ નુકસાનનો અંંદાજ કાઢવાની શરુઆત કરી દીધી છે.