અમદાવાદમાં ચંડોળા તળાવમાં ફરી ડિમોલિશન
અમદાવાદમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મંદિર અને મસ્જિદ તોડવાનું શરૂ, ડિમોલિશન પહેલાં ધાર્મિક વસ્તુઓ-પુસ્તકો હટાવાયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.28
અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચંડોળા તળાવમાં તમામ કાચાં પાકાં નાનાં-મોટાં મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં, પરંતુ કેટલાંક મંદિર-મસ્જિદ જેવાં ધાર્મિક સ્થાનો તોડવાનાં બાકી રાખવામાં આવ્યાં હતાં. આજે 28 મેના રોજ સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનો દૂર કરાયાં છે. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાનાં કાચાં-પાકાં મકાનો પણ તોડવામાં આવ્યાં હતાં. 20 ધાર્મિક સ્થાન દૂર કરાયાં બાદ બાકી રહેલાં સાતથી આઠ જેટલાં ધાર્મિક સ્થાનો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ઇસનપુર સૂર્યનગર ચોકીથી શાહઆલમ તરફ જતા ગરીબ નવાબ મસ્જિદ આવેલી છે, જે ચંડોળા તળાવમાં સૌથી મોટી મસ્જિદ ગણાય છે, એને આજે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500થી વધુ પોલીસકર્મચારીઓના બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરેક ઝોનના અધિકારીને અલગ અલગ ધાર્મિક સ્થાન તોડવાની માહિતી આપી દેવામાં આવી હતી. 5 હિટાચી મશીન, જેસીબી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગરીબ નવાબ મસ્જિદ ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ હતી, જેથી તેને સૌથી પહેલા ખાલી કરાવી દેવામાં આવી હતી. જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ હતી એને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી.
અગાઉ 21 મે 2025એ ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના બીજા દિવસે ચંડોળા તળાવમાં આવેલાં ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરાઈ હતી. કાર્યવાહીને પગલે લોકોનાં ટોળાં ઊમટતાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 20 ધાર્મિક દબાણો અને 500 જેટલાં કાચાં-પાકાં મકાનો તોડાયાં હતાં.
આ પહેલાં 20 મેના રોજ સવારે 6:30 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરીની મદદથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. 35 હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 નાનાં-મોટાં કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની 2.5 લાખ ચો. મીટર જગ્યા પરથી મોટા ભાગનાં દબાણો દૂર કરી દેવામાં આવ્યાં હતાં.



