મોંઘોદાટ પ્લોટ હરાજીમાં લીધો પણ ત્રણ-ત્રણ વર્ષથી પૈસા ભરતાં નથી!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલી નગર રચના યોજના નંબર 3 અંતર્ગત 150 ફૂટ રિંગરોડ પર નાના મૌવા સર્કલ પાસે 9438 ચોરસમીટરનો સોનાની લગડી જેવો એક પ્લોટ આવેલો છે. આ પ્લોટની હરાજી 22 માર્ચ 2021ના રોજ ઓનલાઈન કરવામાં આવી હતી. હરાજીમાં દરમિયાન ત્રણ અલગ-અલગ પેઢીએ ભાગ લીધો હતો. હરાજીમાં પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. 1.25 કરોડની કિંમતનો આ પ્લોટ હરાજી દરમિયાન 118.36 કરોડ રૂપિયામાં વેંચાયો હતો. આ પ્લોટની ખરીદી ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિએ કરી હતી. ગોપાલ ચુડાસમા રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અને એક અગ્રણી બિલ્ડર છે.
- Advertisement -
નાના મવા સર્કલ પાસે 118 કરોડમાં 2021ની સાલમાં પ્લોટ લીધો, હજુ 10% રકમ પણ માંડ ભરી છે
કોર્પોરેશનની અનેક નોટિસો પછી પણ ચુડાસમા બાકીનું પેમેન્ટ પૂરું કરતા નથી
સમગ્ર મામલે ચોંકાવનારી બાબત એ છે કે, વર્ષ 2021માં ગોપાલ ચુડાસમાએ રાજકોટ મનપા પાસેથી 118 કરોડમાં ખરીદેલા પ્લોટની રકમ 30 દિવસમાં ભરપાઈ કરવાની હતી પરંતુ આજે 3 વર્ષ બાદ પણ ગોપાલ ચુડાસમા હરાજીમાં ખરીદેલા પ્લોટની રકમ ચૂકવવામાં નિષ્ફળ નીવડ્યા છે. સામે પક્ષે મનપા પણ પ્લોટની બાકી લેણી રકમ વસૂલવામાં ઉણું ઉતર્યું છે. અધૂરામાં પૂરું મનપાને કોઈ કારણોસર ગોપાલ ચુડાસમા પર સવિશેષ પ્રેમ ઉભરાઈ રહ્યો છે કે, નાના મૌવા સર્કલ પાસે આવેલા મોકાના પ્લોટની હરાજી બાદ રકમ ન ભરી શકાતા સોદો રદ કરવાના બદલે ગોપાલ ચુડાસમાને વાંરવાર પૈસા ભરવાની તક આપવામાં આવી રહી છે. દેણામાં ડૂબેલી રાજકોટ મનપાના અધિકારીઓ એક તરફ સમયસર વેરો ન ભરનારાઓની મિલ્કતો સીલ કરી હરાજી કરે છે તો બીજી તરફ ગોપાલ ચુડાસમા જેવા પર આટલી મહેરબાની શા કારણે દાખવે છે એ ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
પ્લોટની કિંમત 118 કરોડમાંથી 180 કરોડ જેટલી થઈ ગઈ, હવે ભાવ વધારો કેવી રીતે વસૂલાશે?
નાના મૌવા ચોકમાં આવેલા પ્લોટની હરાજી થઈ એ સમયે ગોપાલ ચુડાસમા દ્વારા પ્લોટની રકમ 118 કરોડ જેટલી બોલાઈ હતી. આજથી ત્રણ વર્ષ અગાઉ ગોપાલ ચુડાસમાએ મનપા પાસેથી 118 કરોડમાં લીધેલા પ્લોટની કિંમત આજે રિયલ એસ્ટેટના જાણકારોના કહેવા મુજબ આશરે 180 કરોડ જેટલી થઈ ગઈ છે. ત્યારે ચુડાસમાએ લગભગ સવા લાખના ભાવે પ્લોટ ખરીદ્યો હતો, આજે જાણકારોના દાવા મુજબ ભાવ પોણા બે લાખથી બે લાખ સુધી પહોંચી ગયો છે. મનપાને પ્લોટની તે સમયની કિંમત 118 કરોડની 90 ટકા જેટલી રકમ પણ મળી નથી, હવે ત્રણ વર્ષ બાદ આજે આ પ્લોટની કિંમતમાં આશરે 60 કરોડ જેટલો વધારો થઈ ગયો છે ત્યારે મનપા દ્વારા પ્લોટની કિંમતમાં થયેલો ભાવ વધારો વસૂલવા કોઈ પગલાં ભરાશે કે કેમ એ જોવું રહ્યું.
પૈસા ભરવા અંતિમ નોટિસ આપી કેવિયટ દાખલ કરાઈ
રાજકોટ મનપાના ટી.પી.ઓ એમ.ડી. સાગઠીયાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોપાલ ચુડાસમાને હરાજીમાં લીધેલા પ્લોટની બાકી રહેતી 90 ટકા રકમ એટલે કે રૂ. 101.34.73.840 ભરવા અંતિમ નોટિસ આપી દીધેલી છે. સમગ્ર મામલે કોર્ટમાં સ્ટે ન લેવાઈ તે માટે કેવિયટ પણ દાખલ કરી દેવામાં આવી છે. કોઈ કોર્ટ વિવાદ ન બને તે માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
શું ગોપાલ ચુડાસમાએ પછેડી કરતા લાંબી સોડ તાણી લીધી?
રાજકોટના ઈતિહાસમાં હરાજીનો સૌથી મોટો સોદો ગણાવતા અને એ હરાજીના સોદામાં મનપા પાસેથી 118 કરોડમાં પ્લોટ ખરીદનારા ગોપાલ ચુડાસમા ત્રણ-ત્રણ વર્ષ પછી પણ પ્લોટની 90 ટકા રકમ ભરી શકવામાં અસમર્થ રહ્યા છે ત્યારે રાજકોટના મોટા ગજાના બિલ્ડર ગણાતા ગોપાલ ચુડાસમાએ ઉત્સાહમાં આવીને નાના મૌવા સર્કલ પાસે 118 કરોડમાં લીધેલા પ્લોટમાં શું પછેડી કરતા લાંબી સોડ તાણી લીધી છે એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.