જૂની અદાવતને પગલે 13 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની નિર્મમ હત્યા કરી
દારૂની હેરફેર અને નાણાકીય ધમકીઓ બાદ 13 શખ્સો સ્કૂટર પર આવી યુવક પર કર્યો હુમલો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં ગૂંડાખોરી વધતી જાય છે. દિવસે ને દિવસે અપહરણ, ચોરી, હત્યા જેવા બનાવો સાવ સામાન્ય બની ગયા હોઈ એમ કાયદા કાનુંનની પરવાહ કર્યા વગર કોઇની જિંદગીનો દીવો બુજાવી દેતા હોઈ છે.
એવો જ બનાવ પોરબંદરના નવા ફૂવારા દિવ્યજ્યોત આંખની હોસ્પિટલના દરવાજા પાસે 13 શખસો રાહુલ ઉર્ફ લાલો ચામડીયા, કેવલ મસાણી, કેનિક સેરાજી, હિરેન જુગી, અનિલ વાંદરિયા, ખૂશાલ જૂગી, પ્રિન્સ ઢીકાઢીક, કુશ જંગી, ચેતન વાંદરીયા, પવન પરમાર, યશ પંજરી, આકાશ ગોહેલ અને આશિષ ઉર્ફ ટકો આ તમામએ મળીને 23 વર્ષીય યુવક સાગર ઉર્ફ ડબલું મૂળજીભાઈ મોતીવરસની નિર્મમ હત્યા કરી નાખી છે. જેથી સાગરના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અગાઉ મારામારી અને ઝઘડો થયેલ હોય અને બોલાચાલી કરેલ હોય અને આરોપીઓ સમાજમાં પોતાની ધાક જમાવવાના માટે એક સાથે મળી દારૂની હેરફેર, મારામારી, ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે નાણાકિય લાભ મેળવવા અંગેના ગુન્હાઓ દાખલ થયેલ હોય અને આરોપીઓ ગેરકાયદેસર રીતે પ્રાણઘાતક હથીયારો સાથે સંગઠીત થઈ એકબીજા સાથે મેળાપીપણું કરી એકસેસ મોપેડમાં અને અન્ય સ્કૂટરોમાં સાથે આવી, ભુંડી ગાળો કાઢી, પુર્વ આયોજીત કાવતરૂ રચી, મરણ જનારની પાછળ દોડી મરણ જનારને પાછળથી ધક્કો મારી જમીનમાં મો ભર પછાડી દઈ, આરોપીઓએ મરણ જનારને પકડી રાખી,શરીરે ઢીકા પાટુનો માર મારી તથા પોતાની પાસે રહેલ છરીથી મરણ જનારના પાછળના ભાગે ડાબા ખંભા ઉપર તથા પીઠના ભાગે તથા કમરના ભાગે મળી સાતેક ઘા મારી તથા મરણ જનારને પથ્થરના ઘા મારી મરણ જનારના શરીરે જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી જિલ્લા મેજી.સા. પોરબંદરના હથીયાર બંદી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતે ગુન્હો નોંધી આગળની તપાસ કમલાબાગ પી.આઇ કાનમિયાએ હાથ ધરી છે.