પુખ્ત વયની વ્યક્તિ માટે હેલ્થ સરચાર્જ 624 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધીને સીધો 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશેે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાએ તાજેતરમાં દરેક પ્રકારના વિઝાની ફી વધારી દીધા પછી યુકે પણ તેના જ માર્ગે છે. યુકેની રિશિ સુનક સરકારે હેલ્થ સરચાર્જમાં 66 ટકાનો જંગી વધારો કર્યો છે જેના કારણે ઓવરઓલ યુકેના વિઝા મોંઘા થઈ જશે. હેલ્થ સરચાર્જમાં થયેલા ઉછાળાના કારણે પુખ્ત વયની વ્યક્તિ માટે હેલ્થ સરચાર્જ 624 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધીને સીધો 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે.
તેવી જ રીતે 18 વર્ષથી ઓછી વયના સ્ટુડન્ટ અથવા અરજકર્તાઓ માટે હેલ્થ સરચાર્જ 470 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધીને 776 પાઉન્ડ થઈ જશે. યુકેમાં એન્ટ્રી કરવી હોય અથવા રેસિડન્ટ બનવું હોય ત્યારે ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જની પહેલેથી ફરજિયાત ચૂકવણી કરવી પડે છે. વિઝા એપ્લિકેશન વખતે જ આ ફી ભરવાની હોય છે.
હેલ્થ સરચાર્જમાં આ વધારો 16 જાન્યુઆરી 2024થી લાગુ થવાનો હતો, પરંતુ સંસદીય પ્રક્રિયામાં વિલંબના કારણે આ વધારો હવે 6 ફેબ્રુઆરી, 2024થી લાગુ થશે. જે લોકોએ 6 જાન્યુઆરી અગાઉ અરજી કરી દીધી છે તેમણે ઉંચો સરચાર્જ ભરવો નહીં પડે. સ્કીલ્ડ વર્કર્સ અથવા ગ્લોબલ બિઝનેસ મોબિલિટી વિઝાની એપ્લિકેશન પ્રસ્તાવિત સ્ટાર્ટિંગની તારીખથી ત્રણ મહિના સુધી એડવાન્સમાં કરી શકાય છે.
સુનક સરકારે ઓક્ટોબર 2023માં પણ ટુરિસ્ટ, સ્ટુડન્ટ્સ અને વિદેશી વર્કર્સ માટે વિઝા ફીમાં મોટો વધારો કર્યો હતો. હવેથી યુકેમાં છ મહિના કરતા ઓછું રોકાવું હોય તો વિઝિટ વિઝા માટે 15 પાઉન્ડ વધારે આપવા પડે છે. તેના કારણે કુલ ફી 115 પાઉન્ડ થઈ જાય છે. યુકે બહારથી સ્ટુડન્ટ વિઝાની અરજી થઈ હોય તો તેની ફીમાં 127 પાઉન્ડનો વધારો થયો છે અને કુલ ફી 490 પાઉન્ડ થઈ ગઈ છે. ત્રણ વર્ષના વિઝા માટે એક પુખ્ત વયની વ્યક્તિ માટે હેલ્થ સરચાર્જ વધીને 3105 પાઉન્ડ અને 5 વર્ષ માટે 5175 પાઉન્ડ કરવામાં આવ્યો છે. એક બાળક માટે ત્રણ વર્ષનો સરચાર્જ 2328 પાઉન્ડ રહેશે જ્યારે 5 વર્ષ માટે 3880 પાઉન્ડ રહેશે. બે એડલ્ટ માટે ત્રણ વર્ષનો સરચાર્જ 6210 પાઉન્ડ અને પાંચ વર્ષનો હેલ્થ સરચાર્જ 10,350 પાઉન્ડ રહેશે.