બાંગ્લાદેશના પુર્વ વડાપ્રધાનનું ભારતમાં લંબાતુ રોકાણ
બ્રિટનના કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાનું જાહેર: યુરોપના અન્ય દેશો પણ રાજ્યાશ્રય આપે તેવી શકયતા ધુંધળી
- Advertisement -
બાંગ્લાદેશમાં બળવા હિંસા વચ્ચે ભારત નાસી આવેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને રાજયાશ્રય આપવા બ્રિટને ઈન્કાર કરી લેતાં તેમનું ભારતમાં રોકાણ લંબાવાની શકયતા વ્યકત થઈ રહી છે અને તે ભારત માટે પડકારરૂપ બની રહે તેમ છે.
હિંસાની આગમાં લપેટાયેલા બાંગ્લાદેશમાં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના આંદોલનકારીઓનાં હુમલાથી બચવા નાસીને ભારત આવી ગયા હતા. ભારતથી બ્રિટન થઈને રાજયાશ્રય મેળવશે તેમ મનાતું હતું. પરંતુ બ્રિટને ઈન્કાર કરી દીધો છે. બ્રિટન ના પાડે તો યુરોપનાં આજુબાજુનાં અન્ય દેશોમાં પણ શરણ મળવુ મુશ્કેલ છે.જયારે હવે શેખ હસીના શું કરશે? તે વિશે જુદી જુદી અટકળો વ્યકત થઈ રહી છે.
ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકરે એવો નિર્દેશ કર્યો હતો કે, શેખ હસીના આઘાતમાં છે તેઓને રણનીતિ ઘડવા માટે પુરતો સમય આપવા ભારત સરકારનો વ્યુહ છે.
આંતર રાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યા છે કે શેખ હસીનાના ભારતમાં રોકાણ લંબાવવાની ભારત માટે બેવડો પડકાર ઉભો થાય તેમ છે.
- Advertisement -
શેખ હસીના સાથેના સારા સંબંધોથી સારા પાડોશીનો રોલ ભજવવાનો છે સામે નવી સરકાર-કટ્ટરવાદીઓનો વિરોધ રોકવાનો છે. સંતુલીત રણનીતિ ઘડવી પડે તેમ હોવાથી ફુંકી-ફુંકીને નિર્ણય લેવો પડે તેમ છે.
દરમ્યાન શેખ હસીનાને જયાં રાખવામાં આવ્યા છે તે હિંડન એરબેઝ ખાતે લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે.સતત મહાનુભાવોની આવનજાવનથી હલચલ તેજ રહી છે. સુરક્ષા માટે હેલીકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે.
અમેરિકાએ પણ વિઝા રદ કરી નાંખ્યા
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં હાલ તુર્ત આશરો લઈ રહ્યા છે. પરંતુ ભારતથી કયાં જશે તે વિશે સસ્પેન્સ સર્જાયુ છે. બ્રિટન દ્વારા તેમને આશરો આપવા માટે ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.
તો બીજી તરફ અમેરિકાએ પણ તેમના વિઝા રદ કરી નાંખ્યા છે. આ સંજોગોમાં કામચલાઉ ધોરણે અમેરિકા જવાની યોજના પણ નિષ્ફળ જાય તેમ છે. સૂત્રોએ એવો દાવો કર્યો છે કે બાંગ્લાદેશના હિંસક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને અમેરિકા દ્વારા શેખ હસીનાના વિઝા તાત્કાલિક અસરથી રદ કરી નાંખવામાં આવ્યા છે અને તેઓ હવે અમેરિકાનો પ્રવાસ પણ કરી શકવાની સ્થિતિમાં નથી.