રાજકોટના સતત બીજા પોલીસ કમિશનરની રાતોરાત બદલી
અગાઉ 75 લાખના તોડકાંડના આક્ષેપ બાદ મનોજ અગ્રવાલની જૂનાગઢ બદલી થઈ હતી
- Advertisement -
અગ્નિકાંડમાં NOC વિના લાયસન્સની બેદરકારી સબબ ભાર્ગવને હટાવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટમાં શનિવારે સાંજે ગેમઝોનમાં લાગેલી ભયંકર આગની દુર્ઘટના સર્જાતા 32 લોકોના જીવ હોમાયાની આશંકા છે. અત્યાર સુધી 28 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોની ઓળખ ઉગઅ ટેસ્ટ વગર અશક્ય હતી. હવે આ મામલે મોટા પડઘા પડ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં બનેલી આ મોટી ઘટના બાદ ત્રણ મોટા આઈપીએસ અધિકારીની બદલી કરાઈ છે. આ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશનર વીધી ચૌધરીની બદલી કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી છે. રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
- Advertisement -
ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ. 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે. પૂરા ગુજરાતને હચમચાવી દેનારા રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડે સરકાર અને પૂરા વહીવટી તંત્રને ધ્રુજાવી દીધા છે. ગઇકાલ સવારથી નીચેના કેડરના અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો સીલસીલો શરૂ થયા બાદ ગત સાંજે ટોચના અધિકારીઓની બદલીના હુકમો થઇ ગયા છે. જેના પગલે રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે આજે સવારે બ્રજેશકુમાર ઝાએ અમદાવાદથી રાજકોટ પહોંચીને સીધો ચાર્જ સંભાળી લીધો છે. તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે ગેમ ઝોનની મુલાકાતે ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સરકાર અને હાઇકોર્ટે આ દુર્ઘટના પાછળ મહાપાલિકાની બેદરકારીની મોટી નોંધ લીધી છે. તેના ભાગરૂપે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવાતા ઔડાના સીઇઓ પદેથી બદલાઇને આવેલા ડી.પી.દેસાઇ આજે સાંજ સુધીમાં રાજકોટ મનપા કમિશ્નરનો ચાર્જ સંભાળી લે તેવી આશા છે.
નવા પોલીસ કમિશ્નર સાથે ડીસીપી જગદીશ બાંગરવા પણ હાજર થઇ ગયા છે. ગઇકાલે મોડી રાત સુધી અમદાવાદમાં ડીજી વિકાસ સહાયની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક ચાલુ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સતત સૂચનાઓ આપી રહ્યા છે. રાજકોટના નવા સીપી તરીકે મૂકાયેલા બ્રજેશકુમાર ઝા 1999ની બેચના આઇપીએસ અધિકારી છે. તો નવા મ્યુનિ. કમિશ્નર ડી.પી.દેસાઇ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં કામ કરતા હતા. રાજકોટ માટે સતત બીજી વખત એવું બન્યું જ્યારે શહેર પોલીસ કમિશ્નરની એકાએક બદલી કરાઈ હોય. વિવાદોને કારણે સતત બીજા પોલીસ કમિશ્નરને રાતોરાત ચાર્જ છોડવો પડ્યો છે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર કુમાર દેસાઈની બદલી કરવામાં આવી હતી 1995ની બેચનાં આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ 25 મે 2022નાં રોજ રાજકોટ આવ્યા હતા. ત્યારે ગઈકાલે એટલે કે 27 મે 2024નાં રોજ તેમની બદલી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કઇ રીતે ચેકીંગ હાથ નહોતું ધરાયું અને મંજૂરી માટે કાર્યવાહી નહોતી કરાઈ તે પ્રશ્ન સર્જાતા બદલી કરવામાં આવી હોવાનું જણાય છે.