જડ્ડુસ ચોકમાં ત્રણ મહિનાનું કામ બાકી: નવા વર્ષમાં વધુ બે બ્રીજની ભેટ લોકોને મળી જશે
કેકેવી ચોક બ્રીજ 70%, જડ્ડુસ ચોક બ્રીજ 82% બની ગયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દોઢ વર્ષ પહેલા રાજકોટમાં પાંચ ચોકના બ્રીજના ખાતમુહૂર્ત એક સાથે થયા હતા. આ પૈકી બાકી રહેલા કાલાવડ રોડ પરના કેકેવી ચોકના મલ્ટીલેવલ બ્રીજ અને જડ્ડુસ હોટલ ચોક બ્રીજના કામ ચૂંટણી આચારસંહિતા વચ્ચે ઘણા આગળ વધી ગયા છે. જાન્યુઆરી-2023માં બંને બ્રીજ પૂરા કરવાની મૂળ ડેડલાઇન હોય, 26 જાન્યુઆરી આસપાસ તેના લોકાર્પણની વિચારણા મહાપાલિકા દ્વારા થઇ રહી છે. જોકે કેકેવી ચોકમાં બ્રીજ પર બ્રીજનો પ્રોજેકટ ખુબ મોટો હોય અને અગાઉ થોડો ધીમો પણ ચાલ્યો હોય, આ બ્રીજ મુળ મુદ્દત કરતા એક દોઢ મહિનો મોડો પૂરો થાય તેવી સ્થિતિ સાઇટ પર દેખાઇ રહી છે. ગત તા.21-1-21ના રોજ આ બ્રીજના ભૂમિપૂજન કરીને કામ શરૂ કરવામાં આવ્યા હતા.
કોરોના સહિતની અડચણો વચ્ચે આવતી રહી હતી. કેકેવી હોલ ચોકમાં 1ર9.પ3 કરોડના ખર્ચે પ્રથમ મલ્ટીલેવલ બ્રીજ બની રહ્યો છે. સેન્ટ મેરી સ્કુલ આગળથી કેકેવી ચોક વટીને, કાલાવડ રોડના મનપાના સ્વીમીંગ પુલ પાસે આ બ્રીજ પૂરો થાય છે. હાલ 150 ફુટ રોડ પરથી પસાર થતા બ્રીજને વટાવીને ઉપરથી આ બ્રીજ પસાર થવાનો છે. આ પ્રોજેકટ જાહેર થયો ત્યારે જ પડકારજનક લાગતો હતો. આ વિશાળ બ્રીજની પહોળાઇ 15.50 મીટર અને લંબાઇ 1152 મીટર (1.1 કિલોમીટર) છે.
- Advertisement -
આ બ્રીજ માટે કુલ 195 ગર્ડરનો ઉપયોગ કરવાનો છે. તે પૈકી 142 ગર્ડરનું કામ થઇ ગયું છે. એકંદરે આ બ્રીજનો પ્રોજેકટ 70 ટકા સુધી પહોંચી ગયો છે. ટેન્ડરમાં રખાયેલી શરત મુજબ આ બ્રીજનું કામ જાન્યુઆરી-2023માં પુરૂ કરવાનું છે. પરંતુ અનેક કારણોથી વિલંબ થયા હોય, આ કામ એક દોઢ મહિનો મોડું પુરૂ થાય તેવું સમજાઇ રહ્યું છે. જડ્ડસ હોટલ ચોકમાં 28.52 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બની રહ્યો છે. આ પ્રોજેકટ 83 ટકા પૂર્ણ થયો છે. તેની ડેડલાઇન પણ જાન્યુઆરીની છે. એ.જી. ચોકથી મોટા મવા પુલ સુધીનો ફોરલેન બ્રીજ 360 મીટર લાંબો છે. તેની પહોળાઇ 15.50 મીટર છે.
આ બ્રીજ બને એટલે યુનિ. રોડ, કાલાવડ રોડ, અંબિકા ટાઉનશીપ રોડને જોડતા નાના મવા રોડની ટ્રાફિક સમસ્યા હળવી થવાની છે. બંને તરફ હાલ એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. સેન્ટ્રલ પાર્ટનું કામ પૂર્ણ થયું છે. સુત્રોએ જણાવ્યું કે હાલ એજન્સીને જાન્યુઆરીમાં બંને બ્રીજ તૈયાર કરીને સોંપવા સૂચના આપવામાં આવી છે.
મહાપાલિકા શાસકોની ગણતરી પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીએ બંને બ્રીજ લોકો માટે ખુલ્લા મૂકવાની છે. તેમાંથી જડ્ડુસ ચોક બ્રીજ તો તૈયાર થઇ જશે. પરંતુ કેકેવી ચોક બ્રીજનું કામ આ મુદ્દતમાં પુરૂ થાય તેવી શકયતા ઓછી છે. આમ પણ મનપા આ વિશાળ પ્રોજેકટમાં કોઇ ઉતાવળ કરવા માંગતી નથી. રાજકોટનો આ સૌથી મોટો બ્રીજ છે. સરકારના ધારાધોરણો મુજબ તેનું કામ પુરૂ કરવાનું છે. છતાં એકંદરે નવા વર્ષના પ્રારંભે બંને બ્રીજ ખુલ્લા મુકાઇ એટલે કાલાવડ રોડ તરફનો મેટોડો સહિતનો ટ્રાફિક ખુબ હળવો થઇ જશે.