ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.
વડાપ્રધાનને ફ્રેમ આપેલ દિકરી દિયા ગોસાઇ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત તે ચિત્ર કલાકાર છે. વડાપ્રધાનો આવવાના હોઇ તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી. જે બાદ મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોઇ રહી હતી. ત્યારે આ દરમિયાન એવી ઘટના બની કે દિકરીએ આ પ્રસંગને વિચાર્યો નહીં હોય.
- Advertisement -
થોડા સમયમાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન આ ચિત્ર બંને વડાપ્રધાન પાસે મોકલાવ્યું હતુ. ત્યારે આ ચિત્રને જોઇને બંને વડાપ્રધાનની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા. દિયાએ બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને બન્ને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.
આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક્સ પર પોસ્ટ નાખીને જણાવ્યું હતુ કે C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન માટે વડોદરા પધારેલા ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના માનનીય વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શૉ માં શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિની દિયા ગોસાઈને મળવા બંને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને દિયાને હેતપૂર્વક મળ્યા હતા.
- Advertisement -
ત્યારે બંને વડાપ્રધાનના આ પગલાંને સોશિયલ મીડિયામાં લોકો બહોળા પ્રમાણમાં વધાવી રહ્યા છે. ઉપરાંત આ દ્રશ્યોના ફોટા અને વીડિયો પણ મોટી સંખ્યામાં લોકોએ શેર કર્યા હતા.