ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
દેશમાં તહેવારોની સીઝન જામી છે અને વિવિધ ક્ષેત્રોમાં ખરીદી-વેપારમાં વધારો દેખાવા લાગ્યો છે ત્યારે ક્રેડીટ કાર્ડથી ખરીદી-વપરાશમાં મોટો વધારો થયો છે. ગત વર્ષની તહેવારોની સિઝનની સરખામણીએ આ વર્ષે ક્રેડીય કાર્ડ પેમેન્ટ વ્યવહારોમાં 35 થી 50 ટકા સુધીનો મોટો વધારો છે.
રેજર પે ચીફ ઓપરેટીંગ ઓફીસર રાહુલ કોઠારીએ કહ્યું કે, 3 થી 12 ઓકટોબર દરમ્યાન કંપનીનાં પ્લેટફોર્મ પર ક્રેડીટ કાર્ડ વ્યવહારોમાં 106 ટકાનો વધારો થયો છે. આજ રીતે યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં 60 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
આજ રીતે એમેઝોન પે મારફત 20 ટકા ખરીદી હપ્તેથી (ઈએમઆઈ) થયાનુ માલુમ પડયુ છે તે પૈકી 80 ટકા ખરીદી નો કોસ્ટ ઈએમઆઈથી થઈ હતી. એમેઝોનનાં સીનીયર અધિકારીએ કહ્યું કે ઈ-પ્લેટફોર્મ પર તાજેતરમાં ચાલેલા ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલમાં ચારમાંથી એક, ઝાટકે એમેઝોન કે ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત બીલ પેમેન્ટ રીચાર્જ માટે પ્લેટફોર્મ વ્યવહારોમાં ગત વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો થયો છે.આ વર્ષે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ ઘણો વધી ગયો હોવાનું જાણકારોએ કહ્યું હતું. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ઓગસ્ટની સ્થિતિએ ભારતમાં ક્રેડીટ કાર્ડની સંખ્યા 10.5 કરોડ હતી. જે આગલા વર્ષે 9.12 કરોડ હતી.
આ વર્ષે ઓગસ્ટમાં ક્રેડીટ કાર્ડ વ્યવહારો 38.9 કરોડ હતા તે સંખ્યા ગત વર્ષે 29 કરોડ હતી. આ વ્યવહારોમાં ચાલુ વર્ષે 1.6 લાખ કરોડની રકમ સામેલ હતી. ગત વર્ષે ક્રેડીટ કાર્ડથી 1.5 લાખ કરોડના વ્યવહાર થયા હતા. લાઈફ સ્ટાઈલ, ફેશન નવા ઈલેકટ્રોનિકસ પ્રોડકટની ખરીદીમાં ક્રેડીટ કાર્ડનો વપરાશ વધી રહ્યાનું માલુમ પડયુ છે.