105 લોકોના મોત: અત્યાર સુધીમાં 1000થી વધુનો ભોગ; 6000 ઘાયલ: હિઝબુલ્લાહના સાત કમાન્ડર ઠાર
હિઝબુલ્લાહના વડા સૈયદ નસરલ્લાહના મોત પછી પણ લેબનોનમાં ઇઝરાયેલનો કહેર શાંત પડ્યો ન હોય તેમ હવે સમગ્ર લેબનોન પર બોમ્બ વર્ષા કરી હતી તેમાં 105 લોકોના મોત નિપજ્યા હતા અને 359 લોકો ઘાયલ થયા હતા. સૌથી વધુ 48 મોત અને અલ-ડેબલ તથા ટાપર ક્ષેત્રમાં થયા હતા.
- Advertisement -
લેબનોનના આરોગ્ય મંત્રાલયના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે ઇઝરાયેલની બોમ્બવર્ષામાં કાના હોસ્પીટલને વ્યાપક નુકશાન થયું હતું. આ સિવાય બેકા ખીણમાં 33 લોકોનો ભોગ લેવાયો હતો અને 97 ઘાયલ થયા હતા. ઇઝરાયેલે પ્રથમ વખત કોલા ક્ષેત્રમાં ભીષણ બોમ્બ મારો કર્યો હતો. ઇઝરાયેલના યુદ્ધ વિમાનો સતત બોમ્બ વર્ષા કરી રહ્યા છે. બૈરૂતના કોલા જીલ્લામાં પેલેસ્ટાન મુક્તિ મોરચાના ત્રણ નેતાઓનો પણ હવાઇ હુમલામાં ભોગ લેવાયો હતો. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ બેકા ઘાટીમાં પણ ડઝનબંધ સ્થળોએ બોમ્બ વરસાવ્યા હતા.
ઇઝરાયેલ સૈન્ય દ્વારા એમ કહેવાયું છે કે હિઝબુલ્લાહના હથિયાર ડેપોને નિશાન બનાવવાનું ચાલું રાખવામાં આવશે. અત્યાર સુધીમાં લેબનોનમાં 1000થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને 6000થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલી સેનાએ એવો દાવો કર્યો છે કે, બોંબમારામાં હણાયેલા હિઝબુલ્લાના વડા નસરલ્લાહની સાથે જ સંગઠનના અન્ય 20 લોકો પણ માર્યા ગયા હતા. ઇઝરાયેલ દ્વારા એક સપ્તાહમાં હિઝબુલ્લાહના સાત કમાન્ડરોને ઠાર કર્યા હતા. નબીલ નામનો કમાન્ડર સંગઠનનો ઉપપ્રમુખ હતો.
- Advertisement -
યમનમાં પણ ઇઝરાયેલની એરસ્ટ્રાઇક: 3 નેતાઓના મોત
લેબનોનમાં ભીષણ બોમ્બવર્ષા વચ્ચે ઇઝરાયેલ દ્વારા યમનમાં હૂથી ઉગ્રવાદીઓ પર પણ પ્રહાર કરવામાં આવ્યો હતો તેમાં ત્રણ પેલેસ્ટાઇની નેતાઓ માર્યા ગયા હતા.
ઇઝરાયેલ યુદ્ધ વિમાનોએ હૂથી ઉગ્રવાદીઓને નિશાન બનાવીને યમનમાં એરસ્ટ્રાઇક કરી હતી. પાવર પ્લાન્ટ તથા બંદરને નિશાન બનાવવામાં આવ્યા હતાં.