મુંબઇ: મનોરંજન ઇન્ડસ્ટ્રી અને બોક્સ ઓફિસ દર વરસે લગભગ રૂપિયા ૫૫૦૦ કરોડથી લઇ ૬૦૦૦ કરોડ સુધીનું ટર્નઓવર થતું હોય છે. પરંતુ આ વરસે કોરોના મહામારી અને સુશાંત સિંહ રાજપૂતનો વિવાદ કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખોટ પડી છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા પાંચ-છ મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ રૂપિયા દસ હજાર કરોડનું નુકસાન થયું છે. મનોરંજન ઇન્ડસ્ટ્રી સામાન્ય રીતે એક વરસમાં ૫૫૦૦થી ૬૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેમજ સેટેલાઇટ અને ઓટીટી રાઇટસથી ૮૦૦૦-૯૦૦૦ કરોડ મળતા હોય છે જ્યારે ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાની ભાગીદારી મ્યુઝિકના ક્ષેત્રમાંથી છે. છેલ્લા માર્ચ મહિનાથી સિનેમાઘરો બંધ છે. પરિણામે બોક્સ ઓફિસ પર ૩૦૦૦-૪૦૦૦ કરોડનું નુકસાન થયું છે.

ફિલ્મો ડાયરેક્ટ ઓટીટી પર જઇ રહી છે. એવામાં જે ફિલ્મો ઓટીટી પર પ્રસારિત થાય છે, તેના મેકર્સોને સેટેલાઇટવાળા ઓછી રકમ આપી રહ્યા છે. ઓટીટી પર અત્યાર સુધીમાં ૧૫-૨૦ ફિલ્મોની ડીલ થઇ છે. તેમજ ૪૫ ફિલ્મોની ઘોષણા થઇ હતી. જેને હજી સુધી બનાવાની શરૂઆત થઇ નથી.