-મૃતક પરિવારે 2 વર્ષ પહેલા કરોડો રૂપિયાનું ઘર ખરીદયું હતું
કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ પરિવાર કેરળનો વતની હતો. પતિ-પત્ની અને તેમના ટ્વિન્સ બાળકોના મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ મર્ડર-સ્યૂસાઈડનો લાગી રહ્યો છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના ચાર વર્ષના ટ્વિન્સ નોઆહ અને નેથન તરીકે થઈ છે. કેલિફોર્નિયાના સેન મોટેઓ શહેરમાં આવેલા ઘરેથી 13 ફેબ્રુઆરીના રોજ ચારેય જણાંના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
- Advertisement -
આનંદ અને એલિસ સાથે પરિવારના સભ્યોએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે ફોન ના ઉપાડતાં સંબંધીઓએ પોલીસ પાસે મદદ માગી હતી. પોલીસ તપાસ કરવા માટે તેમના ઘરે પહોંચી ત્યારે ઘરમાં કોઈ જબરદસ્તી ઘૂસી આવ્યું હોય એવા કોઈ પુરાવા નહોતા મળ્યા.
જોકે, એક બારી ખુલ્લી હતી જેમાંથી તેઓ અંદર પહોંચ્યા હતા. ઘરની અંદર પહોંચતા જ પોલીસે જોયું કે, એલિસ અને આનંદના મૃતદેહ બાથરૂમમાં પડ્યા હતા. બંનેના શરીર પર ગોળીના નિશાન હતા. ઘટનાસ્થળેથી પોલીસને 9ળળની પિસ્તોલ અને એક મેગેઝીન મળી આવ્યું છે. જ્યારે આ કપલના ટ્વિન્સના મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યા હતા અને તેમના મોતનું કારણ હજી જાણી નથી શકાયું.
રેકોર્ડ પ્રમાણે, કપલે 2020માં આ મકાન 2.1 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, આ કેસ મર્ડર-સ્યૂસાઈડનો હોવાની સંભાવના છે. જોકે, પોલીસ અન્ય સંભાવનાઓની દિશામાં પણ તપાસ કરી રહી છે.
- Advertisement -
મૃતક પરિવાર મૂળ કેરળનો હતો અને છેલ્લા 9 વર્ષથી તેઓ અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ સિનિયર એનાલિસ્ટ હતી. તેઓ બે વર્ષ પહેલા જ ન્યૂજર્સીથી સેન મોટેઓ ખાતે શિફ્ટ થયા હતા. પોલીસ તપાસમાં પાડોશીઓએ આ દંપતીને મહેનતુ અને બાળકોને સમર્પિત મા-બાપ ગણાવ્યા હતા. પાડોશી અને સાથી કર્મચારીઓ સાથે દંપતીનો વ્યવહાર સારો હોવાનું બહાર આવ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડિસેમ્બર 2016માં આનંદે ડિવોર્સ માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને મંજૂરી નહોતી આપી. પોલીસને અગાઉ આ ઘરમાંથી ફોન આવી ચૂક્યા છે પરંતુ તેના પાછળના કારણનો હજી સુધી ખુલાસો નથી થયો. તપાસ દરમિયાન પોલીસને દંપતીના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ નથી મળી આવી. હત્યાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, આ ઘટના થોડા વખત પહેલા જ બનેલા એક કેસ સાથે મેળ ખાય છે. અમેરિકાના માસૂચૂસેટ્સમાં જ ભારતીય મૂળના ધનાઢ્ય દંપતી અને તેમની કિશોર વયની દીકરીનો મૃતદેહ આલિશાન ઘરમાંથી મળી આવ્યો હતો. મૃતકોની ઓળખ રાકેશ કમલ, પત્ની ટીના અને 18 વર્ષની દીકરી અરિયાના તરીકે થઈ હતી.